અકસ્માત વળતરના એક કેસમાં હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યાઓ, RTOમાં પડતી હાલાકી, નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તરણ કર્યું હતું. ગત સુનાવણીમાં ઓથોરિટીના અધિકારીઓને હાજર રાખીને કોર્ટે ફિલ્ડ પર કામગીરી બતાવવા તેમજ ભવિષ્યના પ્લાનિંગની વાત કરી હતી. ત્યારે વાહન બાબતે પોલીસ અને RTO દ્વારા ફ્યુચર પ્લાન મુકાયો હતો.
18 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ટોલટેક્સ પર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે. એવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે, જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી RTOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધાનો તેને લાભ નહીં મળે
આ સુનાવણીમાં હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે એસ.જી.હાઇવે પર ટ્રાફિક નિયમોના પાલનમાં કોઈ પ્રગતિ થઈ નથી, બધું પહેલા જેવું જ છે. આજે પણ લક્ઝરી બસો રોડ ઉપર ઊભી રહે છે. પોલીસની સામે લોકો ગેરકાયદે વાહનોમાં પેસેન્જર ભરે છે. પગલાં ન ભરીને પોલીસ નિયમો તોડનારાઓને ઉત્સાહ વધારી રહી છે. આ ફક્ત અમદાવાદની વાત નથી, આખા રાજ્યમાં આવું ચાલે છે. સરકારી વકીલ સાથે હાઈકોર્ટ જજ સિવિલ ડ્રેસમાં આવીને તેમને આ બધું બતાવી શકે છે.
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે RTO અને પોલીસ આખા રાજ્યમાં વ્યવસ્થાઓમાં સુધારો કરી રહી છે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. બંને વિભાગે કરેલી કામગીરીની વિગતો હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી, સાથે જ હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ટોલટેક્સ પર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે એવી રીતે હવે કેમેરા મારફત ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે. જ્યાં સુધી આ દસ્તાવેજો નહીં હોય અને દંડ ભરવામાં નહીં આવે, ત્યાં સુધી RTOની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધાનો તે વ્યક્તિને ઉપલબ્ધ થશે નહીં. વળી, RTOમાં એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂ થવાની છે, જેના કેમેરા દ્વારા આવતાં જતાં લોકોને જોઈ શકાશે. એને લઈને એજન્ટ પ્રથા નાબૂદ થઈ શકશે.
અગાઉ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં RTO ઓફિસર, એડિશનલ કલેક્ટર, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અને ગૃહ વિભાગના અંડર સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે હાઇકોર્ટે RTO ઓફિસરને ખખડાવતાં કહ્યું હતું કે, RTOમાં શું ચાલી રહ્યું છે? વાહનની માલિકી ટ્રાન્સફર કરતા કેટલો સમય જાય છે? ઓનલાઇન વાહન ટ્રાન્સફરની અરજી કર્યા બાદ ટ્રાન્સફર થતાં 6 મહિના થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં એ અંગે શું જોગવાઈ છે? વાહન વેચ્યાના છ મહિનામાં અકસ્માત થાય તો શું RTO જવાબદાર છે? શું RTOમાં એજન્ટ મારફત જ કામ થાય છે? સામાન્ય નાગરિકોને કેટલી તકલીફ પડે છે! લોકોના RTOમાં કામ ના થાય એટલે તેઓ એજન્ટને પકડે અને એજન્ટ અધિકારીઓને લાભ કરાવી આપે! શું ઓનલાઈન સિસ્ટમ ફક્ત કહેવા પૂરતી છે? કેટલાં વાહનોને RTOએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યાં છે? અમદાવાદમાં કેટલી રિક્ષાઓને ફિટનેસ સર્ટિફિકેટ કે પરમિટ આપવામાં આવી છે?






Leave a comment