2047માં સુરતની ઇકોનોમી 1.5 ટ્રિલિયન પહોંચાડવાનો રોડમેપ તૈયાર

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે દેશની GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી 4 શહેરોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતમાંથી સુરતનો સમાવેશ થાય છે. આ શહેરોમાં ઇકોનોમિક ગ્રોથ થાય એ પ્રકારનો માસ્ટર પ્લાન કેન્દ્ર સરકારે બનાવ્યો છે. જેનાથી 2047 સુધીમાં સુરતની ઇકોનોમી લંડનની ઇકોનોમીને પાછળ છોડે એવો રોડમેપ તૈયાર કરાયો છે.

કેન્દ્ર સરકારે ઇકોનોમિક હબ માટે ચાર શહેરો નક્કી કર્યા છે. જેમાં મુંબઈ, વારાણસી, સુરત અને વિઝાગની પસંદગી કરવામાં આવી છે. 2047 સુધીમાં ભારત દેશનો કેટલો વિકાસ થશે અને ખાસ કરીને આ જે ચાર શહેર છે એના થકી ભારતના ગ્રોથમાં કેટલો વધારો થશે એ અંગે વિસ્તૃત પ્લાન તૈયાર કરાયો છે. ભારતની GDPમાં સુરત ઇકોનોમિક રિજનનો ફાળો 1.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વિશ્વના ફલક પર જે રીતે સુરત શહેર આગળ વધી રહ્યું છે એ જોતાં આ પ્લાનમાં સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, તાપી જિલ્લાને પણ આવરી લેવાશે.

સુરત શહેરમાં જે રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે એ જોતાં સુરત આજે દેશના GDPમાં ખૂબ સારું એવું યોગદાન આપી રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પણ ઉદ્યોગો છે એને ઝડપથી વિકસાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના શહેરના ડાયમંડ, ટેક્સટાઇલ, કેમિકલ, એગ્રિકલ્ચર, એજ્યુકેશન, મેડિકલ જેવાં ક્ષેત્રને આવરી લઈને નવા નવા પ્રોજેક્ટ લાવવામાં આવશે.

ઇકોનોમિક ગ્રોથના 7 પાયા

  1. રેપિડ ગ્રોથ સિટી
  2. કેમિકલ હબ
  3. ડાયમંડ હબ
  4. ટેક્સટાઇલ હબ
  5. ટૂરિઝમ
  6. એગ્રો પ્રોસેસિંગ
  7. સ્ટ્રેટેજિક રિજનલ કનેક્ટિવિટી

દરિયા કિનારાનો મહત્તમ ઉપયોગ કરીને ઇકોનોમિક ગ્રોથ વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. દહેજ પીસીપીઆઈઆર, એચએસઆર ઝોન, ડ્રીમ સિટી કોસ્ટલ ઝોન, વાઇલ્ડલાઇફ ઝોન થકી ગ્રોથ કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં કેમિકલ હબને લઈને અનેક પોઝિટિવ શક્યતા છે, જેને આગળ વધારી શકાય એમ છે. ડાંગ જિલ્લામાં ટૂરિઝમ અને સ્થાનિક સ્થળ પર ઉદ્યોગો શરૂ કરી શકાય એમ છે. સુરત શહેરમાં ડાયમંડ, ટેક્સટાઇલ સહિત મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવાના હબ તરીકે વધુ ઝડપથી વિકાસ કરી શકાય તેવી સ્થિતિ છે. આ સાથે રિયલ એસ્ટેટ અને એગ્રિકલ્ચર ક્ષેત્રમાં પણ ઘણી સંભાવનાઓ રહેલી છે. નવસારી જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે એમ છે તેમજ સુરત અને નવસારીને ટ્વિન સિટી તરીકે વિકસાવવાની વાત હતી, જેમાં ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોને વિકાસમાં આગળ વધારી શકાય એવી પ્રબળ સંભાવના છે.

આજે(19 સપ્ટેમ્બર) કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા સુરત ઇકોનોમિક રિજનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને નીતિ આયોગ દ્વારા જે આખું કાગળ ઉપર પ્લાનિંગ કર્યું છે તેને હવે સાકાર કરવાની આપણી જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન જે રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે તે જોતા આપણે સૌ કોઈ ખુશ થઈ ગયા છીએ અને તાળી પાડી રહ્યા છીએ, પરંતુ હવે કામે લાગી જવાનો સમય છે. 2047 સુધીમાં લંડન જેવા શહેરની સરખામણીએ આપણે આગળ વધી જઈએ તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત દેશના ગ્રોથ માટે અનેક નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લક્ષ્ય આપ્યું છે તેને હાંસિલ કરવા માટે એકસાથે કામમાં લાગી જવું પડશે. આખા દેશમાંથી ચાર શહેરોને પસંદ કરવામાં આવ્યાં છે તે પૈકીનું સુરત શહેર છે. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે અને ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત શહેર છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હવે જ્યારે ચાર શહેરોમાં સુરતની પસંદગી થઈ છે, ત્યારે માત્ર સુરત શહેરનો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનો વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રો ઉપર આવનાર દિવસોમાં જોવા મળે તે પ્રકારે કામગીરી કરવામાં આવશે.

Leave a comment

Trending