જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોએ અલ્ઝાઇમરના પીડિતો સાથે સહાનુભૂતિથી વર્તવા આપી સલાહ

ઘણીવાર તમે કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ યાદ ના આવે, કોઈનું નામ યાદ ના આવે, ક્યારેક રસ્તો ભૂલી જવાય અથવા તો ઘણીવાર વ્યક્તિને ઓળખી પણ ન શકાય એવી પરિસ્થિતિ માનવીના જીવનમાં આવે છે ત્યારે વ્યક્તિની આ દશાને અલ્ઝાઇમર કહેવામાં આવે છે. આ વધતી ઉંમરની સમસ્યા છે, જેમાં યાદદાસ્ત,સમજ અને નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

વિશ્વમાં દર વર્ષે ૨૧મી સપ્ટેમ્બરના રોજ અલ્ઝાઇમર ડે ઉજવવામાં આવે છે. જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના હેડ ડો.મહેશ ટીલવાણીના જણાવ્યા મુજબ, કોઈ વાતચીત યા ઘટનાને ભૂલી જવી એ અલ્ઝાઇમરરૂપે શરૂ થતી દિમાગી બીમારીનો પ્રથમ સંકેત છે. આ કમજોરી જો દૈનિક ધોરણે જીવનમાં વણાઈ જાય તો અલ્ઝાઈમર હોવાની આશંકા વધી જાય છે.

અલ્ઝાઇમરગ્રસ્ત વ્યક્તિને બોલવા માટે શબ્દો યાદ નથી આવતા એટલે સુધી કે ઘણીવાર ભોજન લેવાનું પણ ભૂલી જાય છે અથવા તો લીધું નથી એવું રટણ કર્યા કરે છે. ધીમે ધીમે લોકોને ઓળખવાનું પણ તેઓ ભૂલી જાય છે, આમ તો અલ્ઝાઈમર ૬૦ વર્ષ પછી જોવા મળે છે. વિટામીન બી -૧૨ અને થાઈરોઈડના અસંતુલનથી તેની સમસ્યા વધી શકે છે, પરંતુ જો નાની ઉંમરે ભુલવાની સમસ્યા થાય તો એ અલ્ઝાઇમર નહીં પણ કોઈ કામના ટેન્શનથી સર્જાયેલી સ્થિતિ હોઈ શકે છે, જે પૂર્વવત થઈ શકે છે.

આ પરિસ્થિતિના ઉપચાર અંગે મનોચિકિત્સક ડો. શિવાંગ ગાંધી અને ડો. રિદ્ધિ ઠકરે જણાવ્યું હતું કે, દવાથી આ બીમારી અટકાવી શકાય છે. શુગર અને બી.પી. તેમજ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે.યોગ, પ્રાણાયામથી પણ રોગ નિયંત્રિત કરી શકાય છે.જી.કે.ના સાયકોલોજીસ્ટ હેતલબેન ગોહિલે જણાવ્યું કે, જીવનશૈલી થેરાપીથી રોગને આગળ વધતો અટકાવી શકાય.

આ ઉપરાંત ટેન્શન મુક્ત રહેવાનો અભ્યાસ, મગજને સક્રિય રાખવું,  કાર્યમાં મન લગાવવું ,નિયમિત વ્યામ,તણાવ  મુક્ત રહેવું, પૂરતી છ થી આઠ કલાક ઊંઘ લેવી, સુવા ઉઠવાનો સમય નિર્ધારિત રાખવો, સુવાથી કલાક પહેલા મોબાઈલ બંધ રાખવું વિગેરે મુખ્ય છે.

આ રોગનું એક વાર નિદાન થાય પછી તેને આગળ વધતો અટકાવવા ઘરની વ્યક્તિએ બીમાર વડીલો સાથે સતત તાદાત્મ્ય કેળવવું જરૂરી છે.તેમને સતત મહેસૂસ કરાવવુ પડે કે,તેઓ ઘરના દરેક માટે જરૂરી છે.આ રીતે સમાજ,સરકાર અને સંસ્થાઓએ સાથે મળીને લોકજાગૃતિના તમામ સંશાધનોનો ઉપયોગ કરી સમાજમાં અલ્ઝાઇમરને આગળ વધતો અટકાવી શકે છે.

Leave a comment

Trending