રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ગત 17 સપ્ટેમ્બરને બુધવારનાં રોજ પીડીયુ હોસ્પિટલ 4714 દર્દીઓની ઓપીડી સાથે દેશમાં પહેલા નંબરે રહી હતી. જ્યારે સુરત સિવિલ હોસ્પિટલ 987 દાખલ દર્દી (IPD)માં પહેલા નંબરે રહી હતી. જ્યારે રાજકોટ સિવિલ 764 દર્દીને દાખલ કરી IPDમાં દેશમાં બીજા ક્રમે રહી હતી. આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ ઉપર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર અને દર્દીને દાખલ કરવામાં અમદાવાદ સિવિલ, ગાંધીનગર જીમર્સ જનરલ હોસ્પિટલ, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત, જૂનાગઢ જીમર્સ મેડિકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી વધુ નોંધાઈ હતી. જેને લઈને ગુજરાતમાં વધતી દર્દીઓની સંખ્યા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બુધવારે 764 દર્દીઓ દાખલ થયા હતા. જેમાં પીએનસી વોર્ડમાં 114, સર્જરી વોર્ડમાં 88, એનઆઇસીયું વોર્ડમાં 64, મધર વોર્ડમાં 59, પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં 58, જ્યારે પીડિયાટ્રિક વોર્ડનાં પાર્ટ A અને Bમાં મળીને કુલ 104 દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય 227 દર્દીને સામાન્ય બીમારી માટે જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફના ટીમવર્કનાં કારણે દર્દીઓએ સારવાર મેળવી હોવાનું આ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું હતું. તેમજ કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, પીડીયુ સિવિલ હોસ્પિટલમાં OPD સમયે કોઈપણ તબીબ સમય જોતા નથી. જ્યા સુધી દર્દીઓની કતાર હોય ત્યા સુધી ડોક્ટર તેમની તપાસ કરે છે. જેના કારણે OPDની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તો જરૂરિયાત જણાય તેવા દર્દીઓને વિના વિલંબે દાખલ કરી દેવામાં આવે છે. જેના કારણે આઇપીડી દર્દીઓની સંખ્યા પણ ઘણી વધુ છે. દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે ફરિયાદ પેટી તેમજ વેબસાઈટ બનાવવા જેવા કામો હાલ ચાલી રહ્યા છે.






Leave a comment