વડોદરામાં ભારતનું પ્રથમ હાઇસ્પીડ ટ્રેન ટ્રેનિંગ સેન્ટર બનશે, સંચાલન કરતા જાપાનીઝ શીખવશે

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સંચાલન કેવી રીતે કરવું તે જાપાનીઝ શીખવશે. આ માટે વડોદરામાં ભારતનું પ્રથમ હાઈસ્પીડ ટ્રેન ટ્રેનિંગ સેન્ટર બનશે. જેમાં જાપાનીઝ સહાયક દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને બિલ્ડિંગ પાસે જ સ્લેબ ટ્રેકના નિર્માણની તાલીમ અપાશે. હાલમાં શહેરના માંજલપુરમાં નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝ (NAIR)નું રોકેટ ગતિએ નિર્માણ થઈ રહ્યું છે.

વડોદરામાં નિર્માણ પામી રહેલા ટ્રેનિંગ સેન્ટરમાં કુલ 334 તાલીમાર્થીઓને એક સાથે તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પસમાં કુલ 12 ક્લાસ રૂમ, 4 પ્રવૃત્તિ ખંડ અને 300 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ બનાવાશે. સાથેસાથે પ્રેક્ટિસ ખંડ, ટ્રેન સિમ્યુલેટર અને અન્ય માળખાગત સુવિધાઓ સાથે વહીવટી વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બુલેટ ટ્રેનના સરળ સંચાલન માટે કર્મચારીઓને તાલીમ આપવા માટે જરૂરી મહત્વપૂર્ણ તાલીમ સંસ્થા છે. અહીંયા તાલીમાર્થીઓને નિર્માણાધીન તાલીમ સંસ્થાની ઇમારતને અડીને આવેલી એક અલગ સુવિધામાં સ્લેબ ટ્રેકના નિર્માણ માટે હાથોહાથ તાલીમ આપવામાં આવશે.

તાલીમ શાળાનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 12,257 ચો.મી. છે. આ મેઈન બિલ્ડિંગ ફુલ ત્રણ માળનું બની રહ્યું છે. આ બિલ્ડિંગ માટે રૂપિયા 141.58 કરોડના ખર્ચે તૈયાર થનારા છે. આ સાથે મુખ્ય બિલ્ડિંગમાં ઊંચાઈ G+3 એટલે કે 19 મીટરની છે. બિલ્ડિંગને ઓછી ઊર્જા અને પાણીના વપરાશ સાથે આઇજીબીસી પ્લેટિનમ રેટિંગ માટે ડિઝાઇન કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં ત્રણ ફ્લોરમાં બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એકેડેમિક બ્લોક અને ટ્રેનિંગ બ્લોક રાખવામાં આવ્યો છે.

તાલીમાર્થીઓ માટે રહેવાની સુવિધા વર્ષ 2019માં પહેલેથી જ બનાવવામાં આવી હતી અને તે પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં સામાન્ય રૂમ સાથે યોગ કરવા માટે વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા તેમની છાત્રાલયની ઇમારતમાં બનાવવામાં આવી રહેલા મકાનમાં સામાન્ય કેન્ટીન અને મનોરંજક બ્લોક બનાવવામાં આવી રહ્યાં છે.

આ ટ્રેઈનિંગ સેન્ટર પર બુલેટ ટ્રેન માટેના બે ટ્રેક બનાવવામાં આવ્યાં છે. આ ટ્રેકમાં બુલેટ ટ્રેન જ્યારે સીધી દિશામાં ગતિ કરે તે માટેનો ટ્રેક અને જ્યાં કોઈ જગ્યાએ સામાન્ય વળાંક માટેના ટ્રેક એમ બે સિમ્પલ બનાવવામાં આવ્યાં છે. આ તાલીમ સંસ્થામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જરૂરી તમામ સુવિધાઓ અને ટ્રેનિંગ માટે તમામ સાધનોથી સજ્જ કરવામા આવશે.

NHSRCLના ડાયરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે, હાઈ સ્પીડ તાલીમ સંસ્થામાં સિવિલ અને ટ્રેકનું નિર્માણ છે, તે મેક ઈન ઈન્ડિયામાં માધ્યમથી મશીન અને વર્કફોર્સના આધારે કરવામાં આવી રહ્યું છે. આ સાથે બીજી ટેક્નોલોજીને સમજવા માટે અમારી પાસે બીજી ફોર્સ છે, તે લેબર વર્ક ફોર્સ છે. તેઓને તૈયારી કરવા માટે અમે તાલીમ પર ખૂબ જ ઘ્યાન રાખ્યું છે અને તાલીમ માટે તાલીમ સંસ્થા બનવી છે.

વધુમાં કહ્યું કે, ટ્રેક કાર્ટ ટ્રેનિંગ ફેસિલિટી સુરતની બાજુમાં વિકાસ કાર્યો છે. જેમાં જાપાનીઝ સહાયક જે છે, તે આ ટેક્નોલોજીની કામગીરીમાં સહાય કરી રહ્યાં છે. તેઓ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે અને તેઓ અહીંયા ટ્રેનિંગ આપે છે. સિવિલ અને ટ્રકનું કામગીરી સમયસર થાય તેવું આયોજન અને ઇલેક્ટ્રિક કામગીરીના પણ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યાં છે. હાલમાં ડિઝાઇન અને પ્લાનિંગ ચાલી રહ્યુ છે.

Leave a comment

Trending