સૌરાષ્ટ્ર યુનિ.માં 17થી 19 ઓક્ટોબર યુથ ફેસ્ટિવલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 52મા યુવક મહોત્સવની તારીખ જાહેર કરવામાં આવી ચૂકી છે. જેનું નામાભિધાન ઉદ્દેતી યુવક મહોત્સવ રાખવાનું નક્કી કરાયું છે. આ યૂથ ફેસ્ટિવલ 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે કરવામાં આવશે. યુવક મહોત્સવ દરમિયાન 33 જેટલી સ્પર્ધાઓ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની સ્પર્ધાઓમાં ભાગ લઈ સૌરાષ્ટ્રની કાઠીયાવાડી તેમજ ભારતીય લોક સંસ્કૃતિની ઝાંખી કરાવશે. યુવક મહોત્સવમાં અંદાજે 1,500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ત્યારે અત્યાર સુધીમાં 57 કોલેજોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ લીધા છે અને હજુ રજીસ્ટ્રેશન માટે 4 દિવસ બાકી છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.

આગામી 17થી 19 ઓક્ટોબર યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે 52મો ઉદ્દેતી યુવક મહોત્સવ યોજવામાં આવશે. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા દૂહા, છંદ, પ્રાચીન રાસ, લોકગીત, ભજન, હાલરડાં, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધા યોજાશે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજનનારા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા અને રજીસ્ટ્રાર ડૉ. રમેશ પરમાર ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય 3 યુનિવર્સિટીના કુલપતિને આમંત્રણ આપવાનું આયોજન છે.

આ વખતે પ્રથમ વખત એવું બનશે કે, એક જ વર્ષમાં 2 યુવક મહોત્સવ યોજાશે. વર્ષ 2023નો યુવક મહોત્સવ આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયો હતો તો હવે વર્ષ 2024નો યુવક મહોત્સવ ઓક્ટોબરના અંતે યોજાશે. જોકે, દર વખતે યુવક મહોત્સવમાં ભાગ લેતા વિદ્યાર્થીઓના નિરસતા જોવા મળે છે. કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી માંડ 50 જેટલી કોલેજો ભાગ લે છે. વિદ્યાર્થીઓના આકર્ષણ માટે યુનિવર્સિટી દ્વારા જૂની સ્પર્ધાઓની સાથે હાલના સમયને જોડતી ટેકનોલોજી આધારિત અવનવી સ્પર્ધાઓ લાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ યુનિવર્સિટીના સ્થાપના કાળથી મોટાભાગે 33 જેટલી સ્પર્ધાઓ યોજાય છે.

યુનિવર્સિટી સંલગ્ન કોલેજનાં તથા યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનોનાં અધ્યક્ષો અને માન્ય સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2024-2025ના વર્ષનો 52મો યુવક મહોત્સવ નક્કી થયેલ છે. જેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યા પ્રમાણે, 52મા યુવક મહોત્સવના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને ઓપ આપવાનો ઉદ્દેશ છે. આ યુવક મહોત્સવ (1) સાહિત્ય વિભાગ (2) કલા વિભાગ અને (3) સાંસ્કૃતિક વિભાગની આમ ત્રણ વિભાગની જુદી જુદી કુલ 33 સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ યુવક મહોત્સવમાં આપની કોલેજ-સંસ્થામાં અને ભવનોમાં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લે તે ઈચ્છનીય છે. શારીરિક શિક્ષણ વિભાગ ખાતેથી તા. 12થી 27 સપ્ટેમ્બર સુધી મળી શકશે. એન્ટ્રી ફોર્મની ફી રૂ.500 રોકડા વિભાગમાં ભરીને પહોંચ લઈને શારીરિક શિક્ષણ વિભાગમાંથી ફોર્મ મેળવવાનું રહેશે. કોલેજનો ફોરવર્ડિંગ લેટર અવશ્ય સાથે લાવવાનો રહેશે. એન્ટ્રી ફોર્મ તેમજ એલિજિબિલિટી ફોર્મ સંપૂર્ણપણે ભરીને તા.27 સપ્ટેમ્બર સુધીમાં ઓફિસ સમય દરમ્યાન અચૂકપણે શારીરિક શિક્ષણ વિભાગમાં સ્વિકારવામાં આવશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં એન્ટ્રી ફોર્મ આપવામાં તેમજ ભરેલ એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ વિભાગ દ્વારા જે એન્ટ્રી ફોર્મ આપવામાં આવે તે એન્ટ્રી ફોર્મમાં તેમજ એલિજિબિલિટી ફોર્મમાં જે વિધાર્થીઓએ જે સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે તે બાબત એન્ટ્રી ફોર્મમાં તેમજ એલિજિબિલિટી ફોર્મમાં ફરજીયાત દર્શાવવાની રહેશે. અન્યથા કોઈ વિગત ભરવાની બાકી હશે તો તે અંગેની જવાબદારી જે તે કોલેજ-ભવનોની રહેશે. આ પરિપત્ર સાથે એલિજિબિલિટી ફોર્મ વેબસાઈટ ઉપર પણ મૂકવામાં આવ્યું છે.

Leave a comment

Trending