આસો અશ્વિન નવરાત્રી પર્વને શરૂ થવાને હજુ ત્રણ દિવસ બાકી રહ્યા છે તે પૂર્વે જ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે 50 હજાર યાત્રિકોએ માં આશાપુરાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શ્રાદ્ધ પક્ષના બારમા દિવસે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ લાગી હતી. જે રાત્રિ સુધી સતત યથાવત રહી હતી. યાત્રિકોએ આજે સોમવાર વહેલી સવારે 5 વાગે માતાજીના મંદિરના દ્વાર ખુલતાની સાથે પ્રવેશ ગેટ નંબર ચારથી લઈને નિજ મંદિર સુધી દર્શન માટે લાંબી કતારો લગાવી હતી.
યાત્રિકોના અભૂતપૂર્વ ઘસારાને પગલે માતાના મઢથી રવાપર તરફ જતા હાઇવે માર્ગ પર અંદાજે દોઢે કિલોમીટર જેટલી ખાનગી વાહનોની લાંબી કતારો લાગી હતી અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
મઢમાં મોટી સંખ્યામાં યાત્રિકોને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં ન આવતા સ્થાનિક સ્વયંસેવકો તેમજ જાગીર શાખાના સ્ટાફ દ્વારા વ્યવસ્થામાં સંભાળવામાં આવી રહી હતી. જોકે એક તબક્કે મોટી સંખ્યામાં લોકોની ભીડને કારણે માતાનામઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના વ્યવસ્થામાં જોડાયા હતા. અંતે સ્થિતિને પહોંચી વળવા દયાપર પોલીસને જાણ કરવામાં આવતા બાદમાં પીએસઆઇ કે.એ. જાડેજા અને સ્ટાફ દોડી આવ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ તેમજ હોમગાર્ડ, જી.આર.ડી ના જવાનો મૂકવામાં આવ્યા હતા. વહેલી સવારથી યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે.






Leave a comment