દેશના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર બનેલા રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ હવે ગ્રાહકની કૃપાથી ચાલશે. આવા જાહેરસ્થળોએ જો ગ્રાહકને અસુવિધા વેઠવાની થાય તો ગ્રાહક તાત્કાલિક એ બદલ ફરિયાદ નોંધાવે એવી સગવડ ઊભી કરવામાં આવી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે નવી નીતિ શરૂ કરી છે, જે અંતર્ગત જે-તે સ્થળોએ એવું મશીન રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા કરાયેલ ફરિયાદો અને ફીડબેક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સુધી પહોંચી શકે. ચાલો જાણીએ કે આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે ‘હમસફર નીતિ’ શરૂ કરી છે, જેથી લોકોને સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ મળી રહે. દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશદ્વાર પર ‘ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ’ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સિસ્ટમને ‘રાજમાર્ગ યાત્રા’ એપ સાથે જોડવામાં આવશે અને એના પર NHAI દ્વારા નજર રાખવામાં આવશે.
ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમમાં રેટિંગનો વિકલ્પ હશે, જેમાં એકથી પાંચ સુધીના વિકલ્પો હશે. જો તમે જે-તે સ્થળે ઉપલબ્ધ સુવિધાઓથી ખુશ નથી તો તમે નીચું રેટિંગ આપી શકો છો. નિયમ અનુસાર ત્રણ રેટિંગ સરેરાશ ગણવામાં આવશે. જો રેટિંગ 2.5 કે તેથી ઓછું હશે તો સંબંધિત કંપનીને નોટિસ આપવામાં આવશે. તેનું ‘રિયલ ટાઈમ મોનિટરિંગ’ (કામ/સુવિધાઓ પર સતત નજર રાખવી) કરવામાં આવશે. નોટિસ આપ્યા પછી પણ કોઈની સુવિધામાં સુધારો ન થાય તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ પણ લાદવામાં આવી શકે છે અને લાયસન્સ રદ પણ કરવામાં આવી શકે છે. આ નિયમ મોટા સ્ટોર્સ/હોટલ/રેસ્ટોરન્ટ સાથે નાના સેટઅપને પણ લાગુ પડશે.
આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરી પાડતા સ્થળોને જ નહીં બલકે પેટ્રોલ પંપને પણ લાગુ પડશે. દેશના મોટાભાગના પેટ્રોલ પંપ પરના શૌચાલય અસ્વચ્છ હોય છે. ઘણે સ્થળે તો એનો ઉપયોગ ફક્ત પેટ્રોલ પંપનો સ્ટાફ જ કરતો હોય છે. આમ જનતા માટે તો એમના શૌચાલયોની તાળાબંધી જ હોય છે. હવે આવી બેદરકારી નહીં ચાલે. નાના-મોટા તમામ પેટ્રોલ પંપે પબ્લિક માટે શૌચાલયની વ્યવસ્થા રાખવી પડશે, શૌચાલય ચોવીસ કલાક ખુલ્લા રાખવા પડશે અને સ્વચ્છ પણ રાખવા પડશે. પેટ્રોલ પંપના શૌચાલયની બહાર પણ પેલી ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ રાખવી પડશે જેના થકી લોકો એ સુવિધાને રેટિંગ આપી શકશે. આ સગવડ પૂરી પાડવામાં નિષ્ફળતાને પરિણામે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કરી શકાશે. ખૂબ બધી સમસ્યાઓથી ગ્રસ્ત આપણા દેશની જનતાની સુવિધા માટે લેવાયેલું આ પગલું આવકારદાયક છે.






Leave a comment