ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી 3 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રિ પૂર્ણ થયા બાદ મિશ્ર ઋતુના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની અંદર રાજકોટ શહેરમાં મનપાના ચોપડે નોંધાયેલ આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના 24, મેલેરિયાના 2, ટાઇફોડના 3, કોલેરાનો 1, ચિકન ગુનિયાના 3 અને સામાન્ય તાવ, શરદી, ઉધરસના 1,785 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં મેલેરિયાના નવા 2 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 30 પહોંચી છે. જ્યારે ડેન્ગ્યુના નવા 24 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુ કેસની સંખ્યા 272 પહોંચી છે. જ્યારે ચિકુનગુનિયાના 3 કેસ નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 30 પહોંચી છે. આ સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 1,112 કેસ, સામાન્ય તાવના 673 કેસ અને ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ છેલ્લા એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. તથા 6242 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 335 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 812 આસામીને નોટીસ તથા રૂપિયા 30,100નો વહીવટી ચાર્જ વસૂલાત કરવામાં આવેલ છે.






Leave a comment