રાજકોટ શહેરમાં નવા રિંગરોડ પર નામાંકિત બિલ્ડરોએ બનાવેલી સાઈટમાં સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટધારકો સાથે મળી આ સુવિધાના અભાવ અંગે રેરામાં ફરિયાદ કરવામાં આવી છે. ફ્લેટધારકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2017માં ફ્લેટ બુકિંગ કરાવવામાં આવ્યા હતા અને 3 વર્ષમાં પજેસન આપવાનો વાયદો કર્યા બાદ આજ દિન સુધી પૂરતી સુવિધા આપવામાં આવી નથી. બ્રોશરમાં આલિશાન પેલેસ જેવું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેની સામે સુવિધા આપવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે રેરામાં તેમજ મનપા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જગ્યા ઉપર રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગેસ, જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે અને ફાયર સેફ્ટી પણ પૂરતી ન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર આવેલી ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગમાં રહેતા પ્રતીક ઝાલાવાડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં આ ફ્લેટનું લોન્ચિંગ થયું હતું. ક્લાસિક ગાર્ડન રિયાલિટી અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્લાસિક ગાર્ડનના નામાંકિત બિલ્ડર દિલીપ લાડાણી અને સ્મિત કનેરીયા જયારે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રીધર ઘોડાસરા, મનોજ કાલરીયા નામ છે. જમીન માલિકમાં દિલીપ લાડાણી અને સ્મિત કનેરીયાનું નામ છે અને પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ તરીકે શ્રીધર ઘોડાસરા, મનોજ કાલરીયાનું નામ છે. 2017માં બુકિંગ કરાવ્યું એ સમયે 67 લાખ રૂપિયામાં બુકિંગ કરાવ્યું હતું. ત્યારે 36 મહિનામાં તૈયાર ફ્લેટ પઝેશન માટે વાયદો કરવામાં આવ્યો હતો. આજે ચાર વર્ષ સતત અમે રજૂઆત કરી રહ્યા છીએ, છતાં અમને પજેસન પણ નથી મળતું અને પુરી સુવિધા પણ મળતી નથી. અંતે એક સપ્તાહ પૂર્વે અમે રેરામાં અને મનપા કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
જ્યારે આ બિલ્ડિંગમાં રહેવા માટે આવેલા કંચનબેન સાપરીયાએ જણાવ્યું હતું કે, અહીંયા અમને કોઈ સુવિધા મળી નથી રહી. અમે પૈસા આપી ફ્લેટ લીધા છે. છતાં પૂરતી સુવિધા મળી નથી રહી. અહીંયા રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ગેસ તમામ પ્રકારની દુવિધા છે. બાળકોને રમવા માટે નીચે મોકલવા હોય તો પણ મોકલી શકાતા નથી. સ્વિમિંગ પુલ છે, તેમાં ચાર મહિનાથી વરસાદી પાણી ભરાયેલું છે, સેવાળ જામેલો છે. મચ્છરના લારવા છે અને ડેન્ગ્યુ થવાનો મોટો ભય સતાવી રહ્યો છે. અમારી એક જ માગ છે કે ચાર મહિનાની એન્ડ અમને તમામ સુવિધા પરિપૂર્ણ કરી દેવામાં આવે.
જ્યારે આ અંગે બિલ્ડર દિલીપ લાડાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું આ પ્રોજેક્ટમાં જમીન માલિક છું. આ જગ્યા અમારી છે, અમે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રીધર ઘોડાસરા, સેહુલ ઘોડાસરા, મનોજ કાલરીયા સહિતનાને ડેવલોપમેન્ટ માટે કરાર કરેલા છે. મારા પોતાના પણ આ બિલ્ડિંગમાં ફ્લેટ બુકિંગ છે. હું પણ ફ્લેટધારક છું. હું પોતે પણ આ બધા સાથે મળી અનેક વખત કહી ચૂક્યો છું. કામ પૂર્ણ કરવા માટે. ફ્લેટધારકોની રજૂઆત સાચી છે. સમયસર કામ પૂર્ણ થયું નથી અને સમય કરતાં બમણો સમય વીતવા છતાં આજે ઓન કામ અધૂરું છે.
ઉલ્લેખનીય છે કે, આજે આ બિલ્ડિંગમાં એમિનિટીઝ સહિતની કામગીરી અધૂરી છે અને 52 પૈકી 13થી 15 ફ્લેટમાં લોકો રહેવા માટે આવી ગયા છે. જેઓ પોતાને પડતી અગવડતાથી કંટાળી રેરામાં ફરિયાદ કરી ચૂક્યા છે અને હવે ત્વરિત તેઓની સમસ્યા હલ આવ તેવી માગ કરી રહ્યા છે.






Leave a comment