ટેસ્લાના શેર તૂટતા ઇલોન મસ્કની નેટવર્થમાં 15 અબજ ડોલરનો ઘટાડો

ટેસ્લાના રોબોટેક્સી કાર્યક્રમમાં સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્સી રજૂ કરવામાં આવી હતી.  જો કે આ ટેક્સી અંગે કોઇ વિશેષ માહિતી આપવામાં ન આવતા રોકાણકારો અને વોલ સ્ટ્રીટના એનાલિસ્ટો તેનાથી ખાસ પ્રભાવિત ન થતાં કંપનીના શેરમાં મોટા પાયે ઘટાડો નોંધાયો હતો.

ટેસ્લાના શેર ઘટવાને કારણે ઇલોન મસ્કની નેટ વર્થમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મસ્ક પાસે ટેસ્લાના ૧૩ ટકા શેરો છે. શુક્રવારે ટેસ્લાનો શેર ૯ ટકા ઘટીને ૨૩૮.૭૭ ડોલરથી ઘટીને ૨૧૭.૮૦ ડોલર થઇ ગયો હતો.

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર શુક્રવારે અમેરિકાના શેરબજારો બંધ થયા પછી મસ્કની નેટવર્થમાં ૧૫ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ૨૪૦ અબજ ડોલરની નેટવર્થ સાથે મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે.

ઉલ્લેખનીય છે કે ટેસ્લાના શેરોએ જુલાઇમાં ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી. ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતથી કંપનીના શેરોમાં ઘટાડો શરૂ થઇ ગયો હતો. જો કે સપ્ટેમ્બરમાં ફરીથી ટેસ્લાના શેરોના ભાવ વધવા લાગ્યા હતાં જેના કારણે મસ્કની નેટવર્થ મેકડોનાલ્ડ અને પેપ્સી કરતા વધી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્લાના રોબોટેક્સી કાર્યક્રમમાં ટેક્સી અંગે વધુ માહિતી આપવામાં ન આવતા રોકાણકારો નિરાશ થયા હતાં. એનાલિસ્ટોએ પણ ટેક્સી અંગે વિગતવાર માહિતી ન આપવાના કંપનીના નિર્ણયની ટીકા કરી હતી.ટેક્સી અંગે વિગતવાર માહિતી આપવામાં ન આવતા કંપનીની ભાવિ પ્રોડક્ટ્સ અને તેને લોન્ચ કરવાના નિર્ધારિત સમય અંગે લોકોમાં શંકા પેદા થઇ રહી છે. જેના કારણે લોકોએ કંપનીના શેર વેચતા શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

Leave a comment

Trending