મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી રાજમોતી રેસીડેન્સીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડની સામે શક્તિ સોસાયટી શેરી નં. ૨માં ઇમીટેશનનું કારખાનુ ધરાવતા વિશાલ કાંતિભાઈ પટેલ (ઉ.વ.૩૦) વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા આખરે બી ડીવીઝન પોલીસ મથકમાં ધીરૂભાઈ ટોળીયા (રહે. આર્યનગર) અને પ્રદીપ ચૌહાણ (રહે. સંત કબીર રોડ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમૉં વિશાલે જણાવ્યું છે કે ૨૦૧૮માં તેને ધંધા માટે પૈસાની જરૂર પડતાં પિતાના જૂના મિત્ર ધીરૂભાઈ ટોળીયાને વાત કરતાં તેણે તેના ભાઈ પોપટભાઈ કે જે કુવાડવા રોડ પર ચાની હોટલ ધરાવે છે, તેની પાસેથી રૂા. ૫ લાખ ૩ ટકા વ્યાજે લઇ આપ્યા હતા. જેનું તે દર મહિને ૧૫ હજાર વ્યાજ આપતો હતો.
જુલાઇ-૨૦૨૨માં તેને વધુ રૂપિયા એક લાખની જરૂર પડતાં ધીરૂભાઈએ મિત્ર તેજારામ પ્રજાપતિ પાસેથી ૪ ટકા વ્યાજે રકમ અપાવી હતી. જેનું દર મહિને ૪ હજાર વ્યાજ ચૂકવતો હતો. તેણે ધીરૂભાઈ હસ્તક કુલ રૂા. ૬ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે તેણે ૧૨.૫૦ લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી.
હાલ ધંધામાં મંદી હોવાને કારણે વ્યાજના પૈસા દઇ નહીં શકતા તેણે ધીરૂભાઈને ગઇ તા. ૨૭ ઓગસ્ટના રોજ કારખાને બોલાવી હું વ્યાજ નહીં આપી શકું તેવી આજીજી કરી હતી. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે ધંધો સરખો ચાલશે તો તમારા પૈસા કટકે-કટેક આપી દઇશ. તે વખતે ધીરૂભાઈએ કહ્યું કે તને આપેલા તમામ પૈસા મારા છે, બીજા કોઇના નથી, એટલે તારે મને વ્યાજ તો આપવું પડશે. અત્યારે નહીં તો પછી પણ વ્યાજ તો આપવું જ પડશે. બાદમાં તેને ગાળો ભાંડી ઝગડો કર્યો હતો.
એટલું જ નહીં ગઇ તા. ૨ સપ્ટેમ્બરના રોજ ફોન કરી ગાળો ભાંડી કહ્યું કે વ્યાજ નહીં આપતો અસલીયત ઉપર આવી જઇશ, તારી િંજંદગી બગાડી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઓગસ્ટ-૨૦૨૧માં તેણે મિત્ર પ્રદીપ ચૌહાણ પાસેથી રૂા. ૫ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને ૨૫ હજાર વ્યાજ ચૂકવતો હતો. પૈસાના બદલામાં પ્રદીપે તેના કારખાનાની મશીનરીનું નોટરાઇઝ લખાણ તેના કાકા લાલજીભાઈ પાસે કરાવી લીધું હતું. તેના ધંધાના કામનું કેમીકલ પ્રદીપ વેચતો હતો.
જેથી તેની પાસેથી ઉધારમાં કેમિકલ લીધું હતું. આ રીતે કુલ આઠેક લાખનો માલ ઉધારમાં લીધો હતો. જે માટે છ લાખ રૂપિયાનું ૫ ટકા વ્યાજ ચડાવી તેની ઉઘરાણી કરી હતી. ૨૦૨૩માં તેને કહ્યું કે ૬ લાખ રૂપિયાનું ૫ ટકા લેખે વ્યાજ દેવું પડશે. બાદમાં તેને વ્યાજ આપતો હતો. થોડા સમય બાદ પ્રદીપને રૂા. ૫ લાખ આપી દીધા હતા. બાકીના ૬ લાખનું વ્યાજ રેગ્યુલર ચૂકવતો હતો. ધંધામાં મંદી આવતા તેને કારખાને બોલાવી વ્યાજ નહીં આપી શકું તેવી આજીજી કરી હતી. તે વખતે પ્રદીપે પણ કહ્યું કે વ્યાજ તો મારે વ્હેલા મોડુ જોઇશે જ, હું વ્યાજ કે મુદલ છોડીશ નહીં. બાદમાં તેને ગાળો ભાંડી, ઝગડો કરી જતો રહ્યો હતો.
આ ઉપરાંત ફોન કરી વ્યાજ માટે અવારનવાર ધાક ધમકી આપતો હોવાથી આખરે બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Leave a comment