– ‘અમારા સંબંધો એટલા સારા છે કે અમારે ટ્રાન્સલેટરની જરૂર નથી’ – રાષ્ટ્રપતિ પુતિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું, “અમારા સંબંધો એટલા સારા છે કે અમે ટ્રાન્સલેટર વિના એકબીજાને સમજી શકીએ છીએ.”
આ સાથે જ વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધ પર ભારતનું સ્ટેન્ડ જાળવી રાખ્યું હતું. તેમણે કહ્યું કે, “દરેક સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.” તેમણે કહ્યું- “ભારતનો દરેક પ્રયાસ માનવતાના સમર્થનમાં છે. અમે શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવા માગીએ છીએ”
પીએમ મોદી છેલ્લા 4 મહિનામાં બીજી વખત રશિયા ગયા છે. આ પહેલા જ્યારે તેઓ જુલાઈમાં રશિયા ગયા હતા ત્યારે તેમણે પુતિનને સલાહ આપી હતી કે બોમ્બ, બંદૂક અને ગોળીઓથી શાંતિ શક્ય નથી. આ પછી તે યુક્રેનના પ્રવાસે પણ ગયા હતા. જ્યાં તેમણે ઝેલેન્સકીને કહ્યું- “મેં પુતિનની આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી”
આ પહેલા મોદી જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું લાડુ અને કેકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં એનઆરઆઈને પણ મળ્યા હતા. આ પછી, કઝાનની હોટલ પર પહોંચીને તેમણે ભારતીય પોશાક પહેરીને રશિયન કલાકારોનો ડાન્સ પણ જોયો.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું સ્વાગત કર્યું. અગાઉ 15 જૂને ગુટેરેસે સ્વિટ્ઝર્લેન્ડમાં યુક્રેન પીસ સમિટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
બ્રિક્સ સંમેલન દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે જ માહિતી આપી હતી કે, લદ્દાખમાં પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવી સ્થિતિમાં PM મોદી અને જિનપિંગ વચ્ચે વાતચીત થઈ શકે છે. જો આમ થશે તો બંને નેતાઓ 2 વર્ષ પછી એકબીજા સાથે વાત કરશે. બંને છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન મળ્યા હતા.
જો કે, બંને નેતાઓએ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો.






Leave a comment