તહેવારોમાં રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં 57,783, જ્યારે રામવનમાં 6,332 લોકોએ ફરવાનો આનંદ માણ્યો

રાજકોટમાં દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રદ્યુમન પાર્ક તેમજ રામવન સહિતનાં મનપા સંચાલિત ફરવાનાં સ્થળે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જેમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે 57,783 લોકોએ મુલાકાત લીધી હતી. બીજીતરફ ભગવાન રામનાં જીવન પ્રસંગો વર્ણવતા રામવન ખાતે 6,332 લોકોએ ફરવાનો આનંદ માણ્યો હતો. જ્યારે ભાઈબીજ નિમિતે ફ્રી મુસાફરીનો 30,858 મહિલાઓએ લાભ લીધો હતો. પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ સાબિત થયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે તા. 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી દિવાળીની રજાઓ દરમિયાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 57,783 લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં તા. 31 ઓક્ટોબરે 4,794, એક નવેમ્બરે 12,159, બે નવેમ્બરે સૌથી વધુ 17,568, ત્રણ નવેમ્બરે 12,994 તેમજ 4 નવેમ્બરે 9,908 લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લઈ પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને બાળકો પ્રાણીઓ નિહાળીને ઉત્સાહિત થયા હતા.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જુદી-જુદી 67 પ્રજાતિનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાન, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતીનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી, વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. જોકે, આ વખતે ઝૂ ખાતે 11 માસ પહેલા જન્મેલા બે સફેદ વાઘબાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભગવાન રામનાં વિવિધ જીવન પ્રસંગોને સકલ્પચરનાં રૂપમાં રજૂ કરતું રાજકોટની ભાગોળે આવેલું રામવન પણ આ વર્ષે લોકોમાં હોટ ફેવરિટ રહ્યું હતું. કુલ 6,332 લોકોએ છેલ્લા 5 દિવસમાં રામવનની મુલાકાત લીધી હતી. જેમાં રામવન ખાતે તા. 31 ઓક્ટોબરે 288, એક નવેમ્બરે 910, બે નવેમ્બરે 1809, ત્રણ નવેમ્બરનાં સૌથી વધુ 1,945 અને ચાર નવેમ્બરે 1,380 પ્રવાસીઓ રામવન ખાતે પહોંચ્યા હતા. ભગવાન રામનાં જીવનમાં બનેલા પ્રસંગોને તાદ્રશ્ય કરતા સકલ્પચર નિહાળીને ભાવવિભોર થયા હતા. તેમજ પ્રકૃતિની ગોદમાં ફરવાનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન ભાઈબીજ નિમિતે મનપા દ્વારા બહેનોને સિટીબસ અને બીઆરટીએસમાં નિઃશુલ્ક મુસાફરીની ભેંટ આપવામાં આવી હતી. જેનો પણ 30,858 બહેનોએ લાભ લીધો હતો.

Leave a comment

Trending