ગયા સપ્તાહમાં દિવાળી સમાપ્ત થવા સાથે જ એક મહિના લાંબી તહેવારોની મોસમ દરમિયાન દેશના ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત અંદાજે રૂપિયા એક લાખકરોડનો વેપાર થયાનું જણાવાઈ રહ્યું છે. ગયા વર્ષના દશેરા-દિવાળીના તહેવારોની સરખામણીએ વર્તમાન વર્ષમાં વેચાણમાં વીસ ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
શહેરી વિસ્તારો ઉપરાંત બિન-શહેરી વિસ્તારોના ઉપભોગતા દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત ખરીદીમાં વધારો થયો છે.
સપ્ટેમ્બરમાં ગણપતિ ત્યારબાદ દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન દેશમાં કાર્યરત ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વેચાણ વધારવા પ્રોત્સાહક ઓફરો પૂરી પડાઈ હોવાનું જોવા મળ્યું હતું.
તહેવારો દરમિયાન દેશમાં સ્માર્ટફોન્સના થયેલા એકંદર વેચાણમાંથી ૬૫ ટકા વેચાણ ઓનલાઈન રહ્યું છે. આ ઉપરાંત કપડા, બ્યુટી આઈટેમ્સ, ઘરવપરાશના સાધનો વગેરેના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો.
ઓનલાઈન વેચાણમાં વધારાને પરિણામે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતના પેમેન્ટસમાં પણ વધારો જોવા મળ્યો છે. એપ્રિલ, ૨૦૧૬થી જ્યારથી યુપીઆઈ કાર્યરત થયું છે ત્યારથી વર્તમાન વર્ષના ઓકટોબરમાં પ્રથમ જ વખત યુપીઆઈ મારફત રૂપિયા ૨૩.૫૦ ટ્રિલિયનના મૂલ્યના કુલ ૧૬.૫૮ અબજના વિક્રમી વ્યવહાર પાર પડયા છે.
તહેવારોની મોસમ બાદ હવે નવેમ્બર-ડિસેમ્બરમાં આવી રહેલી લગ્નસરાની મોસમમાં રૂપિયા છ લાખ કરોડનો ઓફ્ફલાઈન રિટેલ વેપાર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ બે મહિનામાં દેશમાં અંદાજે ૪૮ લાખ લગ્નો યોજાવાની ધારણાં છે.






Leave a comment