ઓલિમ્પિક 2036 માટે સરદાર પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ મુખ્ય કેન્દ્ર બનશે

ગુજરાત નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યું છે. જો બધું સમુસૂતરું ઉતર્યું તો અમદાવાદ વિશ્વના પટલ પર છવાઈ જશે. ભારતે ઓલિમ્પિક-2036 માટે પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ (IOC)ને પત્ર લખ્યો છે. જો ભારતની બીડ સફળ રહી તો અમદાવાદને ઓલિમ્પિક 2036ની યજમાની કરવાની સોનેરી તક મળશે. આ સાથે જ ગુજરાત જ નહીં ભારતમાં ઈતિહાસ રચાશે.

ઓલિમ્પિક 2036 માટે 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે ઓલિમ્પિકનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. રાજ્ય સરકારના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ઓપનિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. જેનો પ્લાન 2036ની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક માટે કઇ કઇ જરૂરિયાત રહેશે તથા કેટલા લોકોની કેપેસિટી રાખવી એ તમામ બાબતે વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઇકો સિસ્ટમ માટે પણ સ્ટડી કરવામાં આવ્યો છે.

2036ના ઓલિમ્પિક માટે 6,000 થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરવામાં આવશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 631 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બી અને ડી બ્લોક 90 ટકા તૈયાર થઈ ગયા છે. સ્વિમિંગ માટે તૈયાર થઈ રહેલા એક્વાટિક સ્ટેડિયમને પણ શેપ અપાઇ ગયો છે. આ કોમ્પ્લેક્સ ઓલિમ્પિક કક્ષાનું પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હશે. 82,507 ચોરસ મીટરમાં બની રહેલા આ કોમ્પ્લેક્સ નિર્માણની કામગીરી મે, 2022થી શરૂ થઈ હતી. અહીં 300 ખેલાડી રહી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત 850 કાર અને 800 ટુવ્હીલર પાર્કિંગની પણ ક્ષમતા છે.

ઓલિમ્પિક માટે ગુજરાતે ઘણા સમય પહેલાં જ કમર કસી લીધી હતી. રાજ્ય સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની રચના કરી હતી. આ કંપનીએ અમદાવાદ અને ગાંધીનગર એમ બે ટ્વિન સિટીમાં સ્પોર્ટસ અંગેનો સર્વે કર્યો હતો અને ગ્લોબલ ટેન્ડર પણ કર્યું હતું.

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ કન્સલ્ટન્સી એજન્સી પ્રાઈઝવોટર હાઉસ કૂપર પ્રાઈવેટ લિમિટેડ (PWD)ને શહેરમાં ઓલિમ્પિકનો કોન્સ્પેક્ટ પ્લાન અને રોડમેપ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. આ એજન્સીએ સ્પોર્ટિંગ ફેસિલિટી, હોસ્ટેલ અને હોટેલની ફેસિલિટી ઉપરાંત રોડ, ટ્રાન્સપોર્ટેશન, વોટર, ડેનેજ સહિતની બાબતોનો અભ્યાસ કરીને એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. એજન્સીએ અમદાવાદ-ગાંધીનગરમાં 22 સાઈટની ઓળખ કરી હતી. જ્યાં ઓલિમ્પિક્સિની ગેમ્સ રમાડી શકાય એમ છે. જેમાંથી 6 જગ્યાએ ટેમ્પરરી ફેસિલિટી ઊભી કરાશે. આ ઉપરાંત બાકીની સાઈટ પર મેજર રિનોવેશનનું કામ કરી તેને અપગ્રેડ કરવામાં આવશે.

આ સિવાય અમદાવાદના સાણંદ પાસે આવેલા ગોધાવી ગામ ખાતે 4 વર્ષમાં 500 એકર જેટલા વિશાળ વિસ્તારમાં એક સ્પોર્ટસ સિટી બનાવાશે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી એથલેટિક રમતો ઉપરાંત સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, બાસ્કેટ બોલ, ટેનિસ, ફૂટબોલ, હોકી, ક્રિકેટ, બાસ્કેટ બોલ સહિતની રમતો માટેના સ્ટેડિયમ અને કોચિંગ ફેસિલિટી તૈયાર કરાશે. આ ઉપરાંત એક સાથે પાંચસોથી એક હજાર રમતવીરો રોકાઇ શકે તેવી સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ તૈયાર કરાશે.

ઓલિમ્પિક વિલેજને ઈકોફ્રેન્ડલી બનાવવા માટે મણીપુર-ગોધાવીમાં ધૂમાડારહિત-પોલ્યુશન ફ્રી ઈલેક્ટ્રિક કાર દોડાવવાની પણ વિચારણા છે. ઓલિમ્પિક વિલેજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઈલેક્ટ્રિક કારનો ભરપૂર ફરજિયાત ઉપયોગ થશે. ઓલિમ્પિક વિલેજને દિવસ-રાત સતત વીજળી પૂરી પાડવા માટે સરકાર ગ્રીન એનર્જીને પ્રમોટ કરી શકે છે. અહીં ગોધાવી કેનાલની આસપાસ અથવા કેનાલ ઉપર સોલાર પેનલ ગોઠવીને ઈકોફ્રેન્ડલી ગ્રીન એનર્જીનો ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે.

​​​​​​​અમદાવાદના ભાટ ગામમાં એકતરફ રિવરફ્રન્ટ છે. જ્યારે બીજી તરફ વિશાળ મેદાન તૈયાર છે. અહીં રિવરફ્રન્ટમાં વોટર સ્પોર્ટસ એક્ટિવિટીઝ, સ્વિમિંગ જેવી રમત યોજાશે. જ્યારે નજીકના મેદાનમાં બેડમિન્ટન, સ્કવૉશ જેવી આઠથી દસ ઓલિમ્પિક ગેમ માટેની આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ઓલિમ્પિકમાં ભાગ લેવા આવતા રમતવીરો, અધિકારીઓ વગેરેને ઉતારો આપવા માટે એક ઓલિમ્પિક વિલેજ બનાવાશે. જેનું કામ 2032ની આસપાસ શરૂ થઇ શકે છે. આ વિલેજમાં 2, 3 અને 4 બેડરૂમના ફર્નિચર સાથેના 10થી 15 હજાર ફ્લેટ્સ બનશે. ઓલિમ્પિક બાદ સરકાર આ ફ્લેટ્સને નાગરિકોને વેચીને તેમાંથી કમાણી કરશે.

ઓલિમ્પિક વિલેજ માણવા આવી રહેલા લાખો સહેલાણીઓને મણીપુર-ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં ચારેબાજુથી પ્રવેશ આપવા રોડ-રસ્તાનું આગવું આયોજન હાથ ધરાશે. એક અંદાજ પ્રમાણે દસ લાખ જેટલા સહેલાણીઓ વર્ષ 2036નો ઓલિમ્પિક માણવા દુનિયાભરથી ગુજરાત આવશે.

કેન્દ્ર સરકાર ગુજરાતમાં એક ઓલિમ્પિક સર્કિટ પણ તૈયાર કરી રહી છે. જેમાં સૌ પ્રથમ મણીપુર-ગોધાવી ખાતે જમીન સંપાદન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચથી છ વિશાળ સ્ટેડિયમ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. જેની તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ મણીપુર-ગોધાવી ખાતે જમીન સંપાદન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચથી છ વિશાળ સ્ટેડિયમ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. અહીં ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમનું આયોજન થશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરકાર તિરંદાજી, રાઈફલ શૂટિંગ, જેવલીન થ્રો (ભાલા ફેંક), પેરા ઓલિમ્પિક જેવી અંદાજે દસથી પંદર ઓલિમ્પિક રમત યોજવાની વિચારણા છે.

Leave a comment

Trending