રાજકોટના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 56 લાખ પડાવી લીધા

રાજકોટનાં હસનવાડી શેરી નં.2માં રહેતાં અને સુરત ખાતે પંજાબ નેશનલ બેન્કમાં નોકરી કરી હાલ નિવૃત જીવન વિતાવતાં મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા (ઉ.વ. 73)ને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 56 લાખ પડાવાયાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી જે ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ હતી તેના કેટલાક ધારકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં કમ્બોડીયન ગેંગનું આ કૃત્ય હોવાનું સાયબર ક્રાઈમ પોલીસને જાણવા મળ્યું છે.

પોલીસને મહેન્દ્રભાઈએ જણાવ્યું કે ગઈ તા. 11-7-2024ના રોજ પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે હું પોલીસ ઈન્સ્પેકટર બોલું છું, તમારા વિરૂધ્ધ મુંબઈના તિલકનગર પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થઈ છે, તમે અમારા વિનાયક સરને કોલ કરી માહિતી લઈ લેજો તેમ કહી  એક મોબાઈલ નંબર આપ્યો હતો.

થોડી વાર બાદ તેમને વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે તમારા આધાર કાર્ડ પર કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખુલ્યા છે, એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ર.પ કરોડ છે, તમે આ બેન્ક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વાપરેલ છે, મની લોન્ડરીંગમાં ઉપયોગ થયો છે, તમારૂં અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે, નરેશ ગોયેલ નામના વ્યક્તિએ કુલ 247 વ્યક્તિઓ સાથે ફ્રોડ કર્યો છે, જેમાં તમે પણ સંડોવાયેલા છો.

ત્યાર પછી તે શખ્સે દર બે કલાકે તેમને વોટસએપ કોલ કરી રિપોર્ટ આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત સવાર-બપોર-સાંજ ફોટો પાડી તેના વોટસએપમાં મોકલવાનું કહેતાં તે મુજબ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં તેમને એક મોબાઈલ નંબર પરથી વોટસએપમાં સેબીનો એન્ટી મની લોન્ડરીંગ બાબતેનો લેટર, ડાયરેકટર ઓફ એન્ફોર્સમેન્ટ, આરબીઆઈ, કેનેરા બેન્કનું તેમના નામવાળું એટીએમ કાર્ડ તથા કેનેરા બેન્કમાં તેમના ખાતાનું બેન્ક સ્ટેટમેન્ટ મોકલ્યું હતું.

આ ઉપરાંત તેમની માલિકીની તમામ મિલ્કતો, તમામ બેન્ક એકાઉન્ટની માહિતી, મ્યુચ્યુઅલ ફંડમાં અને સ્ટોક માર્કેટમાં રોકાણની માહિતી માંગતા આપી દીધી હતી. આ પછી તેમને કોલ કરી કહ્યું કે તમારા પાસે રહેલા તમામ નાણાં મની લોન્ડરીંગના છે કે નહીં તે બાબતે ક્રોસ વેરીફિકેશન માટે નાણાં ટ્રાન્સ્ફર કરવા પડશે.

પરિણામે તેમાં જણાવેલ બેન્ક એકાઉન્ટ પર તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે કુલ રૂ.પ૬ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. તે વખતે તેમને કહ્યું કે તમારા નાણાં તમને ત્રણ દિવસ પછી ઓડિટ વેરીફિકેશન કરી પરત આપી દેવામાં આવશે. તેના ૬ દિવસ પછી કોઈ જવાબ નહીં મળતાં જે નંબર ઉપરથી કોલ આવતા હતા તેની ઉપર સંપર્ક કરતાં થયો ન હતો.

આખરે મિત્ર અને પૌત્રને વાત કરતાં તેમણે ફ્રોડ થયાનું જણાવતાં સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજે એસબીઆઈના જે બે ખાતામાં રૂ.પ૬ લાખ ટ્રાન્સફર થયા હતા તેના ધારકો ઉપરાંત જે નંબર ઉપરથી કોલ આવ્યા હતા તેના ધારકો સામે ગુના દાખલ કર્યા છે.

સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ ચિટીંગમાં કમ્બોડીયન ગેંગનો હાથ હોવાની શકયતા છે. આ ગેંગ વિદેશથી ઓપરેટ કરે છે. નાણાં ગુજરાતના શખ્સોના બેન્ક એકાઉન્ટમાં જમાં થતાં ટીમો દ્વારા સુરત, જૂનાગઢ, બનાસકાંઠા અને અમદાવાદમાં તપાસ કરી અમુક શખ્સોને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવાઈ છે.  ઉલ્લેખનીય છે કે ભારતભરમાં આ રીતે ડિજિટલ અરેસ્ટ કરી લાખો, કરોડો પડાવતી અનેક ટોળકીઓ સક્રિય છે. આ ટોળકીઓ દ્વારા અત્યાર સુધીમાં સંખ્યાબંધ ગુનાઓ આચરવામાં આવ્યા છે.

Leave a comment

Trending