અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથીજ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં ટ્રમ્પે હવે ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીને તેમની કેબિનેટમાં મહત્વની જવાબદારી સોંપી છે. 37 વર્ષીય વિવેક રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE) વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળશે.
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી પ્રમુખપદની ચૂંટણી લડવાનું નક્કી કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે રિપબ્લિકન પાર્ટીથી ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને લીડને જોઈને, રામાસ્વામીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું. આખરે જનતાએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે.
તેમનું પૂરું નામ વિવેક ગણપતિ રામાસ્વામી છે. વિવેકનો જન્મ 9 ઓગસ્ટ, 1985ના રોજ દક્ષિણ પશ્ચિમ ઓહિયોના સિનસિનાટીમાં થયો હતો. વિવેક રામાસ્વામી અમેરિકન રાજકારણી અને ઉદ્યોગસાહસિક છે. તેમણે 2014 માં ફાર્માસ્યુટિકલ કંપની રોઇવન્ટ સાયન્સની સ્થાપના કરી. ફેબ્રુઆરી 2023 માં, રામાસ્વામીએ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાં પોતાની ઉમેદવારીની જાહેરાત કરી.
વિવેક રામાસ્વામીના પિતા વી.ગણપતિ રામાસ્વામી મૂળ પલક્કડ, કેરળના છે. કેરળની સ્થાનિક કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમના પિતા વી.જી. રામાસ્વામીએ ઓહાયોના ઈવેન્ડેલમાં જનરલ ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં કામનું શરુ કર્યું હતું. વિવેકની માતા સિનસિનાટીમાં મનોચિકિત્સક હતા. તેમના પત્ની અપૂર્વા તિવારી રામાસ્વામી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટરમાં ડૉક્ટર છે.
રામાસ્વામીએ પ્રારંભિક શિક્ષણ સિનસિનાટીની સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમજ તેમણે ઉચ્ચ શિક્ષણ હાર્વર્ડ અને યેલ લો સ્કૂલમાંથી લીધું છે. રામાસ્વામીએ હાર્વર્ડમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યેલ ખાતે કાયદાની ડિગ્રી મેળવી. કોલેજમાં બાયોલોજીનો અભ્યાસ પણ કર્યો હતો.






Leave a comment