ભારત પર ટેરિફ લગાવ્યા તો છેડાશે ટ્રેડ વૉર

ફરી એકવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ચીન પાસે સામાન આયાત કરવા પર ટેરિફ વધારી શકે તેવી સંભાવના છે. એવામાં અમેરિકાની નવા ચૂંટાયેલા સાંસદ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમનું કહેવું છે કે અમેરિકા ભારત પર ટેરિફ લગાવે તેનો હું વિરોધ કરું છું. કારણકે જો આવું થશે તો બંને દેશો વચ્ચે ટ્રેડ વોર થઈ જશે.

સુહાસ સુબ્રમણ્યમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય નિકાસ પર વધુ ટેરિફ લાદવાની સંભાવના છે. સુબ્રમણ્યમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હું ભારત પર ટેરિફ લાદવાનું સમર્થન કરતો નથી. મને લાગે છે કે તે ખરેખર ખરાબ હશે. આ નિર્ણય ટ્રેડ વોર તરફ દોરી જશે. મને નથી લાગતું કે આ બંને  દેશ માટે સારું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ટેરિફ સ્ટ્રકચર પર નિશાન સાધ્યું હતું. જેમાં ભારત અને ચીન પર ટેરિફ લાદવાની વાત કરવામાં આવી હતી. આથી એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ અમેરિકી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ભારતીય નિકાસ પર વધુ ટેરિફ લગાવી શકે છે.

સુબ્રમણ્યમે કહ્યું, ‘ભારતમાં ઘણા બધા વ્યવસાયો છે જે ખૂબ સારી રીતે થઈ રહ્યા છે અને ઘણી ભારતીય કંપનીઓ યુએસમાં પોતાનું કામ વધારી રહી છે. આથી આ બંને દેશો આર્થિક રીતે જેટલા વધુ સાથે મળીને કામ કરશે તેટલા વધુ મજબૂત બનશે.’

આ બાબતે સાંસદે વધુમાં કહ્યું કે, ‘હું એક એવી વ્યક્તિ બનવા ઈચ્છું છું જે દુનિયાભરમાં લોકશાહીને પ્રોત્સાહન આપે.’ જણાવી દઈએ કે, અમેરિકાની વિદેશ નીતિને આકાર આપવામાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયેલા 38 વર્ષીય સુબ્રમણ્યમ, છઠ્ઠા ભારતીય-અમેરિકન છે. તેઓ વર્જિનિયાના 10મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી તેમની જીત જાહેર થઈ હતી. તેમજ તેઓ ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન છે.

તેમણે અમેરિકન ઈમિગ્રેશન સિસ્ટમમાં પરિવર્તનની પણ હિમાયત કરી હતી. સુબ્રમણ્યમે કહ્યું કે હું ઇમિગ્રેશન વિશે ઘણું સાંભળી રહ્યો છું, ખાસ કરીને H-1B વિઝા ધરાવતા લોકો નાગરિકતા અને ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સુબ્રમણ્યમે કહ્યું કે આપણે અમેરિકામાં ઈમિગ્રેશન સિસ્ટમમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. તેમજ કાનૂની ઇમિગ્રેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્સ વિશે પણ ઘણી બધી વાતો થઈ રહી છે અને હું ચોક્કસપણે અમારી સરહદને સુરક્ષિત કરવાને સમર્થન આપું છું, પરંતુ આપણે તેના કરતાં વધુ કરવાની જરૂર છે.

Leave a comment

Trending