ગુજરાતના ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટ રઝળતી જોવા મળી હતી. ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી રોયલ કોમ્પ્લેક્ષની પાછળની સાઈડથી કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટનો જથ્થો રસ્તા પર રઝળતી જોવા મળી હતી. પહેલી નજરે જોતા કોઈપણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી હતી. જોકે, રસ્તા પરથી આટલી બધી રઝળતી નોટો જોઈને લોકો પણ ચોંકી ગયાં હતાં. આ રસ્તા પર રઝળતી નકલી નોટોને લઈને ભાવનગર પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના રોયલ કોમ્પ્લેક્ષને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે. આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો. આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે, રસ્તા પર રઝળતી આ નોટ ક્યાંથી આવી હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે, સોમવારે (18 નવેમ્બરે) મહારાષ્ટ્રના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટ દ્વારા મૂળ ભાવનગરના 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. 19 વર્ષનો મૂળ ભાવનગરના રહેવાસી આર્યન જાબુચા પાસેથી 500 રૂપિયાની 10,352 નકલી ચલણી નોટ મળી આલી હતી. આર્યન પકડાયો તેના બીજા જ દિવસે ભાવનગરમાં રસ્તે 500 રૂપિયાની નકલી નોટો રઝળતા પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ભાવનગર અને મહારાષ્ટ્ર વચ્ચે આ નકલી નોટો વચ્ચે કંઈ કનેક્શન હશે?
આ સાથે જ સમગ્ર મુદ્દે એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ચૂંટણીના એક દિવસ પહેલાં લોકોમાં વહેંચવા માટે આ નકલી ચલણી નોટો વહેંચવામાં આવી હતી કે કેમ? ભાવનગરમાં રસ્તે રઝળતી નોટોનું ઘટનાસ્થળ પણ શંકા ઉભી કરે છે. ભાવનગરનું રોયલ કોમ્પલેક્ષ જ્યાં પ્રિન્ટિંગનું કામ થાય છે, તેની આસપાસના વિસ્તારમાંથી નોટો મળતાં એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે, ક્યાંક આ રોયલ કોમ્પ્લેક્ષ જ નકલી નોટો છાપવાનું કારખાનું તો નથી ને? જોકે, સમગ્ર ઘટનાની હકીકત તેમજ મહારાષ્ટ્ર ચૂંટણી અને આર્યન સાથેનું કોઈ કનેક્શન છે કે નહીં તેનું સત્ય તો એસઓજીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે.






Leave a comment