સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા તેના સ્થાપનાકાળ વર્ષ 2011થી જ પ્રતિવર્ષ લોકસાહિત્યમાં ઉમદા સંશોધનકાર્ય કરનાર સંશોધકને રૂ.1 લાખનો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે અને વર્ષ 2015થી પ્રતિવર્ષ લોકસાહિત્યનું પ્રસ્તુતિકરણ કરનાર લોકગાયકને રૂ.1 લાખનો લોકગાયક હેમુ ગઢવી ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે ત્યારે આ વખતે એકસાથે 2 વર્ષના એવોર્ડ એનાયત કરવામાં આવશે. તા.26 નવેમ્બરના રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે બપોરે 3.30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડિયાના અધ્યક્ષસ્થાને ઍવૉર્ડ સમારંભનો પ્રારંભ થશે. જેમાં મોરારીબાપુના હસ્તે આ ઍવૉર્ડ એનાયત થશે. સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને મહામંત્રી જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહેશે.
ચૂંટણી આચારસંહિતાને કારણે વર્ષ 2023નો ઍવૉર્ડ સમારોહ યોજાઇ શક્યો ન હતો. તેથી, આ સમારંભમાં વર્ષ 2023નો મેઘાણી લોકસાહિત્ય ઍવૉર્ડ ઉત્તર ગુજરાતના લોકસાહિત્યના સંશોધક ડૉ. પ્રેમજી પટેલને અને લોકગાયક હેમુ ગઢવી ઍવૉર્ડ’ સુપ્રસિદ્ધ લોકગાયક ગોપાલભાઈ બારોટને એનાયત થશે. જ્યારે વર્ષ 2024નો મેઘાણી લોકસાહિત્ય ઍવૉર્ડ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના સંશોધક ડૉ.અંબાદાન રોહડિયાને અને લોકગાયક હેમુ ગઢવી ઍવૉર્ડ સંતવાણી અને લોકસાહિત્યના સુપ્રસિદ્ધ લોકગાયક પ્રફુલભાઈ દવેને એનાયત થશે.
મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડૉ. જેઠાભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતુ કે, વર્ષ 2023નો મેઘાણી એવોર્ડ એનાયત થવાનો છે એવા ગુજરાતી લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે તેમજ ગુજરાતી લઘુકથાના સર્જનક્ષેત્રે નોંધપાત્ર કામ કરનાર પ્રેમજી પટેલ (પ્રેમાભાઈ)નો જન્મ 12 ફેબ્રુઆરી, 1955ના રોજ ખેરોલ ગામે થયો. ખેડૂત પિતા સોમાભાઇ થોડું પ્રાથમિક શિક્ષણ પામેલા અને માતા મણિબહેન નિરક્ષર હતાં. કૃષક સોમાભાઇને પાંચ સંતાનોમાં સૌથી મોટાં પ્રેમજીભાઇ. પ્રેમજી પટેલનું પ્રાથમિક શિક્ષણ-ખેરોલ શાળામાં થયું. માધ્યમિક તેમજ કોલેજ શિક્ષણ ગામથી 7 કિ.મી. અંતરે આવેલા તલોદ નગરમાં થયું. એમ.ફિલ., પીએચ.ડી. વગેરે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પૂર્ણ કર્યું. તેઓએ જે સંસ્થામાં અભ્યાસ કર્યો તે આર્ટ્સ-કોમર્સ કૉલેજ, તલોદમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. છેક ઇ.સ.2017માં તેઓ વયનિવૃત્ત થયા. તેઓ શરૂથી અધાપિપર્યંત વતનમાં જ રહ્યા. ત્યાં રહીને સાહિત્ય તેમજ લોકસાહિત્ય ક્ષેત્રે સક્રિય રહ્યા. ઈ.સ.1996થી લોકસાહિત્ય તરફ ધ્યાન ખેચાયું. તેમણે પોતાની સૂઝ મુજબ તેમાં સક્રિય થયા. ક્ષેત્રકાર્ય કરતા રહ્યા અને ઈ.સ.1998માં તેમનો પ્રથમ ગ્રંથ ચૌદલોક પ્રકાશિત થયો. ત્યારબાદ ઈ.સ.2000માં લોકજણસ, ઈ.સ.2007 માં ‘અમીલોક’, ઈ.સ.2013 માં ‘દિવાસાનું પરબ અને તેનાં ગીતો’, ઈ.સ.2021 માં ‘લોકમણિ’, ઈ.સ.2023 માં ‘ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્ય વિશેના લેખો’પ્રગટ થયાં. તેમનાં લોકસાહિત્ય વિશેનાં પ્રકાશનો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં આવતાં રહ્યાં છે.
ગોપાલભાઇ બારોટનો જન્મ તા.15 જુલાઇ, 1958ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં થયેલો. પિતા ઝીણાભાઈ બારોટ બહુ વિદ્વાન વાર્તાકાર હતાં. માતા મણીબેન ઘણાં ભક્તિભાવ વાળા એટલે એમનાં સંસ્કાર પણ ખરા. ગોપાલભાઈ બારોટને દુનિયાભરના ગુજરાતીઓ રેડિયો, ટેલિવિઝન, વિવિધ ચેનલો, યુ-ટ્યુબ ચેનલોમાં આવતા એમનાં પ્રોગ્રામોથી ઓળખે છે. ગામડાઓથી લઈને મેગાસીટી સુધી ભારતભરમાં એમણે ડાયરાઓ ગજવ્યા છે. નારાયણ સ્વામીથી માંડીને કિર્તીદાન ગઢવી સુધીનાં તમામ કલાકારો સાથે એમણે પ્રોગ્રામ કર્યા છે. પાળિયા, કૂવા, વાવ, તળાવ, મંદિરો, ગઢ, કિલ્લા, છતેડીઓ વિગેરેનાં શિલાલેખને ઉકેલવામાં માહેર છે. ગોપાલભાઇનો પહેલો પ્રોગ્રામ 1976માં કર્યો અને 1990માં આકાશવાણીમાં વાર્તાકાર તરીકે પાસ થયા. હાલ આકાશવાણી અમદાવાદમાં A ગ્રેડનાં વાર્તાકાર છે. દુરદર્શન તેમજ વિવિધ ગુજરાતી ચેનલમાં એમનાં અસંખ્ય કાર્યક્રમો પ્રસારિત થતાં રહે છે.
પ્રફુલ્લભાઈ દવેએ પોતાના માતા મણિમા અને પિતા દેવશંકરભાઈને પોતાની સફળતા અને જીવનમાં મેળવેલી તમામ સમૃદ્ધિનું શ્રેય આપ્યો છે અને તેમણેપોતાના બંગલાનું નામ પણ માતાપિતાની યાદમાં ‘દેવમણિ’ રાખ્યાનું યાદ અપાવે છે. તેમના પિતા શિક્ષક હતા, તેમના એક જ પગારમાં પરિવારના દસ લોકોના આખા કુટુંબનું ગુજરાન ચલાવવું પડતું. પરંતુ હડાળા ગામના લોકો પ્રફુલ્લભાઈના બા-બાપુજીને ખૂબ પ્રેમ કરતા. એના કારણે ઓછાં સંસાધનો છતાં પરિવારને તાણીતૂસીને ગુજરાન ચલાવવાની બહુ જરૂર નહોતી પડતી. થોડી અછત સાથે પરિવાર ચાલી જતો. પ્રફુલ્લ દવે પોતાની સ્વયંશિસ્ત અને સમયબદ્ધતાના ગુણોનું શ્રેય પોતાનાં માતાનાં સંસ્કારસિંચનને આપે છે. તેઓ કહે છે કે, બા શિસ્તનાં આગ્રહી હતાં, એના કારણે જ મારી અંદર પણ એ ગુણ ઊતરી આવ્યા છે. હું કોઈને રાહ નથી જોવડાવતો. તેમજ કોઈની રાહ જોતો પણ નથી. હું દૃઢપણે માનું છું કે કલાકારને ચાહકોને રાહ જોવડાવવાનો કોઈ હક નથી. પ્રફુલ્લ દવે પોતાની ડૉક્ટર તરીકેની શરૂઆતના દિવસોની યાદોને આ અનુભવ સાથે જોડતાં કહે છે – મારા કિસ્સામાં એવું કહી શકાય કે, BAMS કરી આયુર્વેદિક ડૉક્ટરની ડિગ્રી મેળવીને ઍલૉપથીની પૅક્ટિસ કરવાનો દંભ એ મને ન જામ્યો.અત્યારે આવું ઘણું થાય છે, પરંતુ મને એ યોગ્ય ન લાગ્યું.






Leave a comment