રાજકોટ મનપાનાં સ્થાપના દિવસે આજે જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક તેમજ વિપક્ષનાં કોર્પોરેટરોને સઘન ચેકીંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટરનો હતો. જેમાં અડધો કલાક જેટલો સમય વીતી જતા વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ પોતાનાં રોગચાળાનાં પ્રશ્નનો જવાબ દેવા હોબાળો કર્યો હતો. દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. જેમાં વિપક્ષ નેતા સાગઠિયાએ કહ્યું હતું કે, આતંકવાદી હોય તેમ ચેકીંગ કર્યું, અને મારો પ્રશ્ન સાંભળ્યા પહેલા મને માર્શલ મારફત બહાર કાઢી મુકાયો છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા કે, સાગઠિયા મીડિયા સમક્ષ ફોટા પડાવવા આવે છે. મનપા કમિશ્નર ગેરહાજર હોવાથી ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા આ બોર્ડમાં જવાબો અપાયા હતા.
વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું આતંકવાદી હોવ તેમ મારુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બંધારણની વિરુદ્ધ છે. તેમજ જનરલ બોર્ડમાં પણ હંમેશની જેમ કોંગ્રેસના પ્રજાલક્ષી પ્રશ્નો ધ્યાને લેવામાં આવ્યા નહોતા. જેને લઈને મેં રોગચાળાનો અને ડેંગ્યુનાં કારણે થતા મોતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પણ મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે માર્શલ દ્વારા મને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. તંત્ર રોગચાળાનાં આંકડા છુપાવે છે. અને આંકડાઓ બહાર ન આવે તે માટે વિપક્ષને પુરી અને સાચી વિગતો અપાતી નથી. ભાજપના શાસકોએ લોકશાહીનું ખૂન કર્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે પણ બોર્ડ હોય ત્યારે કોનો પ્રશ્ન કયા ક્રમે આવશે તેનો ડ્રો અગાઉ કરવામાં આવે છે અને તે મુજબના પ્રશ્નો ચર્ચાય છે. આજે ભાજપનાં કોર્પોરેટર સોરઠીયાનાં પ્રશ્નની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ ખોટી રીતે હોબાળો કરતા બોર્ડનાં અધ્યક્ષ મેયર દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. દુઃખ સાથે કહેવું પડે છે કે વિપક્ષ પાસે માત્ર 4 કોર્પોરેટર છે. અને તેમાંથી પણ આજે માત્ર બે હાજર રહ્યા હતા. આમ વિપક્ષને લોકો માટે સમય જ નથી. જોકે વશરામ સાગઠિયા માત્ર મીડિયા સમક્ષ ફોટા પડાવવા ખોટી રીતે હોબાળો કરે છે. આ સિવાય પ્રજાનું કોઈ કામ કરતા નથી.
મહાપાલિકાના સ્થાપના દિને યોજાયેલા જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરોએ મોટા ભાગે ગ્રાન્ટ, રેનબસેરા, જનજાગૃતિ, વોંકળા સફાઇ, સ્માર્ટ સોસાયટી, ટેક્સ અને સફાઈ, લાયબ્રેરી, હોર્ડિંગ બોર્ડ, તેમજ આરોગ્ય કેન્દ્રો લગતા સરકારી માહિતી જેવા જ પ્રશ્નો પૂછયા હતા જ્યારે જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યોએ પર્યાવરણ, પીપીપી આવાસ યોજના, ટીપીના પ્લોટ તેમજ સફાઇ કામદારોની ભરતી અને રસ્તા અંગેના સવાલ પૂછયા હતા. જોકે આ જનરલ બોર્ડમાં હંમેશની જેમ બપોર સુધીમાં 24 પૈકી માંડ એક પ્રશ્નની ચર્ચા થઈ હતી. ત્યાં વિપક્ષે હોબાળો મચાવતા વિપક્ષના નેતા વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. આમ પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે આજે પણ જનરલ બોર્ડ દરમિયાન માત્ર હોબાળો જ જોવા મળ્યો હતો.
બોર્ડમાં બીજા ક્રમે ભાજપના ભારતીબેન પાડલીયાએ આરોગ્ય ગ્રાન્ટ અને ફાયનાન્સ બોર્ડે આપેલી ગ્રાન્ટની માહિતી પૂછી છે. કંચનબેન સિધ્ધપુરાએ રેનબસેરા, કેતનભાઇ પટેલે સોલીડ વેસ્ટ શાખાના જનજાગૃતિ કાર્યક્રમો, મંજુબેન કુગસીયાએ પ્રોજેકટ શાખાની યોજનાઓ અંગેની માહિતી માંગી છે. આ સિવાયના સભ્યોના પ્રશ્નો પણ સરકારી જેવા હતા. બીજીતરફ કોંગ્રેસે બોર્ડમાં કેટલીક પ્રજાલક્ષી માહિતીઓ માંગી હતી. જેમાં કોમલબેન ભારાઇના પ્રશ્નો મૂજબ રાજકોટ સહિત અન્ય શહેરોની હવા શુધ્ધ કરવા માટે (પર્યાવરણ) રૂા. ત્રણ હજાર કરોડનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેકટ અંગે તેમણે વિગતો પૂછી હતી.
આ ઉપરાંત કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે વોર્ડ નં.10માં પીપીપી યોજના અંતર્ગત ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ કેટલા ઝુંપડા અને મકાનો હતા? કેટલા સમયથી રહેતા હતા તેની પુરાવા સાથેની વિગત પૂછી છે. તેમના વોર્ડ નં.9માં શાળા નં.99 ખાનગી બિલ્ડીંગમાં બેસે છે. વોર્ડ નં.15 અને 18ના બાળકો અહીં ભણવા આવે છે. આથી અહીં માલિકીની શાળા બનાવી સુવિધા આપવા અંગેની વિગત તેમણે માંગી હતી.
જ્યારે વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ પણ ત્રણ પ્રશ્નો પૂછયા હતા. જેમાં રોગચાળા અને ટીપી યોજનામાં પાર્કિંગ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટની સ્થિતિ, ઉપરાંત તા.7-3-24ના બોર્ડમાં 532 સફાઇ કામદારની ભરતી માટે દાદા-દાદી અને માતા-પિતાના વારસદારની થયેલી જોગવાઇ બીપીએમસીના કયા કાયદા મુજબ કરવામાં આવી તે પણ પૂછયુ હતું. ઉપરાંત મનપા દ્વારા શહેરમાં 31-3-2024 પહેલા રાજકોટમાં કુલ કેટલા કિલોમીટરના રોડ બનાવવામાં આવ્યા હતા, કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યા હતા, કુલ કેટલો ખર્ચ થયો હતો, જેમાં વર્ષ 2024ના વરસાદમાં કુલ કેટલા કિ.મી.ના રસ્તાનું ધોવાણ થયું છે તેની વિગતો પણ પૂછી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઇ આજથી બે સપ્તાહની રજા પર ગયા છે. કમિશ્નરના પરિવારમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો છે. આથી તેમણે અગાઉ જ સરકારમાં રજા મૂકી હતી. જે મંજૂર થઇ છે. જોકે તેઓ સોમનાથ ખાતે તા. 22થી યોજાનારી ઉચ્ચ અધિકારીઓની ચિંતન શિબીરમાં ભાગ લેવાના છે. આ બાદ તેઓ રાજકોટ પરત ફરશે. જેને લઈને આજરોજ જનરલ બોર્ડમાં ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા જવાબો રજૂ કરવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડમાં આજે સફાઇ કામદારોના વારસદારોને નિમણુંક, બહુમાળી ચોકનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ, ડે.કમિશ્નરને 10 લાખના ખર્ચ અને કરારની સત્તા, બે પે એન્ડ યુઝ ટોયલેટ કરવા સહિત 6 દરખાસ્ત મંજૂર કરાઇ હતી. આ સિવાયની ત્રણ દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ આવી હતી. જેમાં ફેરીયાઓની ટાઉન વેન્ડીંગ કમીટીની રચના, હોકર્સ ઝોનના ભાડામાં સફાઇ ખર્ચના ઉમેરા, રૈયાના સ્માર્ટ સીટીને અટલ સ્માર્ટ સીટી નામકરણની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.
જોકે મનપાનાં જનરલ બોર્ડમાં 72 પૈકી 59 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. અને ભાજપના 12 તથા કોંગ્રેસના 1 સહિત 13 કોર્પોરેટર ગેરહાજર હતા. જેમાં ભાજપના 11 સભ્યોએ રજા રીપોર્ટ મોકલ્યા હતા. જેમાં અલ્પેશ મોરજરીયા, મિતલબેન લાઠીયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન પાંધી, ડો.દર્શિતાબેન શાહ, ડો.નેહલભાઇ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, રાણાભાઇ સાગઠીયા, સુરેશભાઇ વસોયા, ડો.પ્રદીપ ડવ, દક્ષાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. રવજીભાઇ મકવાણા ગેરહાજર હતા. કોંગ્રેસના મકબુલ દાઉદાણી પણ ગેરહાજર હતા.






Leave a comment