પેસેન્જર નહીં પણ ગુડ્સ ટ્રેન સરકારનો કમાઉ દીકરો

વ્યાપક રેલ નેટવર્ક ધરાવતી ભારતીય રેલવેની આવક છેલ્લા પાંચ વર્ષથી સતત વધી રૂ. 10 લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે. જેમાં 70 ટકા કમાણી પેસેન્જર ટ્રેન દ્વારા નહીં પણ ગુડ્સ ટ્રેન મારફત થઈ હોવાનું આરટીઆઈમાં જાણવા મળ્યું છે. 2019-20થી 2023-24 દરમિયાન ઈન્ડિયન રેલવેએ કુલ રૂ. 10,01,957.45ની કમાણી કરી છે. મબલક કમાણી સાથે ભારતીય રેલવે સતત ગ્રોથ કરી રહ્યું છે. ગ્લોબલ ડેટા મુજબ, 2023માં વિશ્વમાં કમાણીની દ્રષ્ટિએ ભારતીય રેલવે ચોથા ક્રમે પહોંચી હતી. પ્રથમ સ્થાને 55667 મિલિયન ડોલર સાથે જર્મનીની ડોયશે બાન એજી રેલવે નેટવર્ક છે.

આરટીઆઈ એક્ટ, 2005 હેઠળ કરવામાં આવેલી અરજીમાં રેલવે મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષથી ભારતીય રેલવેની આવક સતત વધી રહી છે. કુલ રૂ. 10 લાખની આવકમાં મોટો હિસ્સો ગુડ્સ ટ્રેનનો રહ્યો હતો. જેના મારફત રૂ. 702372.29 કરોડની આવક નોંધાઈ હતી. નવી પ્રીમિયમ ટ્રેન, સ્પીડમાં વધારો કરતાં પ્રોજેક્ટ્સ, અને પ્રીમિયમ સુવિધાઓના કારણે રેલવેની આવક વધી છે.

છેલ્લા એક દાયકામાં ભારતીય રેલવે દ્વારા 31180 કિમીના ટ્રેક નાખવામાં આવ્યા છે. ટ્રેક બનાવવાની સ્પીડ 2014-15માં 4 કિમી પ્રતિ દિવસથી વધુ 2023-24માં 14.54 કિમી પ્રતિ દિન થઈ છે. જેમાં 41655 રૂટ કિમીને ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવ્યા છે.

ભારતીય રેલવેના મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિની સાથે સાથે મુસાફરીમાં ગેરરીતિ આચરવા બદલ થતી પેનલ્ટીમાં પણ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં મુસાફરીમાં ગેરરીતિ બદલ ભારતીય રેલવેએ કુલ રૂ. 3,695 કરોડની  પેનલ્ટી વસૂલી છે. 2019માં 596.59 કરોડની આવક પેનલ્ટી મારફત થઈ હતી. જે વધી 2023-24માં રૂ. 1212.08 કરોડ થઈ છે. 2020-21 દરમિયાન કોવિડના કારણે લોકડાઉનની અસર રહેતાં પેનલ્ટી પેટે રૂ. 62.32 કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા.

Leave a comment

Trending