KYC ન હોય તો પણ બૅન્કો એકાઉન્ટ ફ્રીઝ ના કરી શકેઃ આરબીઆઇ

રિઝર્વ બૅન્કે તમામ બૅન્કોને કેવાયસી મુદ્દે ટકોર કરી છે, તેમજ કેવાયસીમાં વિલંબ કે અધૂરા કેવાયસી પર એકાઉન્ટ ફ્રીઝ કે ડોરમેટ કરનારી બૅન્કોને ફટકાર પણ લગાવ્યો છે. બૅન્કોની ભૂલનો ભોગ ગ્રાહકો બની રહ્યા હોવાનું જણાવતાં આરબીઆઇએ બૅન્કોને કેવાયસીના દિશાનિર્દેશોનું ચુસ્તપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરવા આદેશ કર્યો છે અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું છે.

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ખાનગી બૅન્કોના ડિરેક્ટર્સના સંમેલનમાં કહ્યું હતું કે, બૅન્કો કેવાયસીના દિશા-નિર્દેશોનું પાલન પ્રમાણિકતા, પારદર્શિતા અને સહાનુભૂતિ સાથે કરે. બૅન્કો કેવાયસીના અભાવે ગ્રાહકોના એકાઉન્ટને ડોરમેટ અથવા ફ્રીઝ કરી દે છે. જેનાથી સરકારી યોજનાઓના પૈસા ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. આ સિવાય અન્ય ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. બૅન્કો એકાઉન્ટ ફ્રીઝ કરી શકે નહીં. કેવાયસીના નિયમોનું પાલન નહીં કરે તો આરબીઆઇ બૅન્કો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે.

ગ્રાહકો દ્વારા કેવાયસીને સમયાંતરે અપડેટ કરાવવામાં બૅન્કો ઢીલું વલણ દર્શાવે છે, જેના લીધે વિલંબ થાય છે. આ સિવાય બૅન્કો ગ્રાહકોને કેવાયસી મુદ્દે અપર્યાપ્ત માહિતી આપી રહી હોવાથી સેવા ખોટવાય છે. ઘણી બૅન્કો કેવાયસીની પ્રક્રિયા હોમ બ્રાન્ચ પર જ કરી રહી હોવાની ફરિયાદો આરબીઆઇને મળી છે.

વધુમાં સ્વામીનાથને કહ્યું કે, બૅન્કો ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે કામ કરે. ટૅક્નોલૉજી અને ઇનોવેશનની મદદથી બૅન્કો ગ્રાહકોને સરળ, સુલભ અને ઝડપી સેવાઓ પ્રદાન કરવાની ખાતરી કરે. કેવાયસીના દિશાનિર્દેશોનું સચોટપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરે.

Leave a comment

Trending