ભુજ ખાતે વર્ષ ૨૦૦૯ થી શરૂ થયેલી અદાણી મેડિકલ કોલેજની ૧૬મી બેચનો વ્હાઈટકોટ સમારોહ સાથે પ્રારંભ થયો છે અને તેમને ઉમદા ડોક્ટર સાથે ઉમદા માનવી બનવા પર વક્તાઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.આ સમારંભમાં ૧૫૦ જેટલા નવા મેડિકલ વિદ્યાર્થીઓએ તબીબ બનવા તરફ કદમ માંડ્યા હતા અને તેમને ચરક સંહિતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં શરૂ થયેલા આ સમારંભમાં કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મોહનભાઈ પટેલે વ્હાઈટકોટ સમારંભને એક સોનેરી અવસર ગણાવી કહ્યું કે, આ કોટ સાથે અનેક જવાબદારી શરૂ થાય છે જેને નિભાવવા સદગુણ વિકસાવવાની જરૂર છે કેમકે એ માનવસેવા પ્રત્યે સમર્પિત અને સેવાભાવનું પ્રતીક છે.
અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો.પંકજ દોશીએ વ્હાઇટકોટ ધારણ કરનારાઓને તેમના ઉજ્જવળ ભાવી અંગે શુભેચ્છા પાઠવતા ઉમેર્યું કે, આજથી જ દરેકે ચિકિત્સા જગત માટે અભ્યાસમાં લાગી જવું જોઈએ સાથે તેમણે વાલીઓને સધિયારો આપતા જણાવ્યું હતું કે, તેમના બાળકોનું ભાવી આ કોલેજમાં સુરક્ષિત છે.
ગેઇમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ માનવ સેવા માટે સમર્પિત નવોદિતોને ઉમદા ડોક્ટર બનવાની સાથે ઉમદા માનવી બનવા માટે પણ આહ્વાન કર્યું હતું.
જ્યારે જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ સફેદકોટ ધારણકર્તાઓને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા.
પ્રારંભમાં અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે સ્વાગત કરી કોલેજનો અહેવાલ આપ્યો હતો અને જણાવ્યું કે કોલેજ તેના સ્થાપના કાળ ૨૦૦૯થી સતત પ્રગતિના સોપાન સર કરી રહી છે આ ૧૬મી બેચ છે. આ પ્રસંગે નવા વિધાર્થીઓએ પ્રતિભાવ આપ્યા હતા. સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના કોર્ડીનેટર ડો.નિવોદિતા રોય રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી સ્ટાફે અને સ્ટુડન્ટ કાઉન્સિલે જહેમત ઊઠાવી હતી.






Leave a comment