મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોથી રાજકીય હડકંપ મચી ગયો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોથી રાજકીય હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં ભાજપ, શિવસેના અને એનસીપીનું ગઠબંધન મહાયુતિ પ્રચંડ જનાદેશ સાથે વાપસી કરી રહ્યું છે. આ રાજ્યમાં ભાજપ, શિવસેના અને એનસીપીએ શાનદાર દેખાવ કર્યો છે. હાલ 288 વિધાનસભા બેઠક ધરાવતા આ રાજ્યમાં મહાયુતિને 218 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે. નોંધનીય છે કે, સરકાર બનાવવા માટે 145 બેઠકોની જરૂર છે.

આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીનું અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક દેખાવ રહ્યો છે. અત્યાર સુધીના વલણમાં મહાવિકાસ અઘાડી 55 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. જેનાથી મહાયુતિના મજબૂત જનાદેશ સાથે જીત જોવા મળી રહી છે.

એકનાથ શિંદેની શિવસેના એકલા હાથે 55  બેઠકો પર આગળ છે. આ રીતે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ મળીને એકનાથ શિંદેને મળેલી બેઠકોની નજીક છે. હાલના વલણ અનુસાર, એકનાથ શિંદેની પાર્ટી અને મહાવિકાસ અઘાડી વચ્ચે બેઠકોના આંકડા ખૂબ જ નજીક છે.

બીજી બાજુ મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં શરદ પવાર અને અજીત પવારની એનસીપી વચ્ચે લડત હતી. જેમાં શરદ પવારની એનસીપીનું અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો છે. જાણે સિંગલ ડિઝિટ નંબર પણ માંડ-માંડ પાર કરી શક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે એકવાર ફરી પોતાની દાવેદારી નોંધાવી છે. શિવસેના ચીફ એકનાથ શિંદેને જ્યારથી પૂછવામાં આવ્યું કે, પહેલાથી નક્કી હતું કે, જેની વધારે બેઠક હશે તેનો મુખ્યમંત્રી બનશે ત્યારે જવાબમાં શિંદેએ કહ્યું, ‘આવું નક્કી નથી થયું કે, વધારે બેઠક હશે, તેનો જ મુખ્યમંત્રી હશે. અંતિમ આંકડા આવ્યા બાદ તમામ પાર્ટી બેસીને વાત કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે.’

Leave a comment

Trending