દિલ્હીમાં પ્રદૂષણ ફરી ગંભીર, AQI 467 પર પહોંચ્યો

દિલ્હી 5 દિવસ પછી ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું. શનિવારે સવારે 6 વાગ્યે પણ દિલ્હીના 9 વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં નોંધાયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીના વજીરપુરની હવા સૌથી વધુ ઝેરી છે. અહીં AQI 467 નોંધાયો હતો. તેમજ, દિલ્હીનો સરેરાશ AQI 419 નોંધાયો હતો.

વધતા પ્રદૂષણને લઈને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીના મુખ્ય સચિવને GRAP-4ના નિયંત્રણોને કડક રીતે લાગુ કરવા માટે પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્ય સચિવે પર્સનલી દેખરેખ રાખવી જોઈએ.

પત્રમાં તેમણે લખ્યું- દિલ્હીના તમામ વિભાગોએ GRAP-4 સંબંધિત દૈનિક અહેવાલો જાહેર કરવા જોઈએ. આનાથી એવા ક્ષેત્રોને ઓળખવામાં મદદ મળશે કે જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકારને ટ્રકોની એન્ટ્રી ન રોકવા બદલ ઠપકો આપ્યો હતો. આ પછી દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય શુક્રવારે મોડી રાત્રે સિંઘુ બોર્ડર પર પહોંચ્યા અને તપાસ કરી કે ટ્રકોને રોકવામાં આવી રહી છે કે નહીં. ગોપાલ રાયે કહ્યું કે દરરોજ 135 થી 165 ટ્રક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, પરંતુ તેમને દિલ્હીમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે.

ગોપાલ રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું અમને એવી ફરિયાદો મળી હતી કે કેટલાક વાહનોને મંજુરી વિના દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ફરિયાદ બાદ અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ

બીજી તરફ પ્રદૂષણને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પરાલી સળગ્યા બાદ તે વિસ્તારોની આકારણી કરવા માટે પ્રોટોકોલ બનાવી રહી છે. આમાં નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. હરિયાણા અને પંજાબ પણ સમિતિમાં હશે.

તેમણે ભારતમાં પરાલી સળગાવવાના વિદેશી સેટેલાઇટ ડેટા સામે વાંધો ઉઠાવ્યો હતો. કહ્યું- ISRO અનુસાર, વિદેશી સેટેલાઇટ ડેટા ભારતમાં માન્ય નથી. તેના પર કોર્ટે કહ્યું કે સરકારે સચોટ ડેટા આપવા માટે મશીનરી વિકસાવવી પડશે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કહ્યું છે કે ઉત્તર ભારતમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે કટોકટીના પગલા તરીકે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગ અસરકારક રહેશે નહીં. આ એટલા માટે છે કારણ કે ક્લાઉડ સીડીંગ માટે હવામાં પૂરતો ભેજ નથી.

IIT કાનપુરે CPCBને દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ક્લાઉડ સીડિંગ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત ગુપ્તાની પૂછપરછમાં આ વાત સામે આવી છે.

Leave a comment

Trending