PF કપાત માટે વેજ લિમિટને વધારીને 30,000 રૂપિયા કરશે સરકાર!

કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે સોશિયલ સિક્યોરિટી સ્કીમ (Social Security Scheme)ને વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે જેથી તેઓ વધુ બચત કરી શકે અને નિવૃત્તિ પર વધુ પેન્શન મેળવી શકે. શ્રમ અને રોજગાર મંત્રાલય વધુમાં વધુ કર્મચારીઓને EPF-ESICના દાયરામાં લાવવા માટે મેન્ડેટરી બનાવવાના હેતુથી એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) હેઠળ લઘુત્તમ વેજ લિમિટ (Minimum Wage Ceiling)ને  ડબલ કરતા તેને  15000 થી વધારીને 30000 રૂપિયા કરી શકે છે. સરકારના આ નિર્ણયના કારણે લગભગ 1 કરોડ નવા કર્મચારીઓને EPF-ESICના  સોશિયલ સિક્યોરિટી દાયરામાં લાવવામાં સફળતા મળશે.

કર્મચારીઓના મૂળ વેતનમાંથી EPF-ESICમાં કપાત માટેની વેજ લિમિટને છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. ત્યારબાદ લઘુત્તમ વેતન મર્યાદા 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરી દેવામાં આવી હતી. હવે 10 વર્ષ બાદ ફરીથી તેને વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. EPF-ESIC વેજ લિમિટ વધારવાથી કર્મચારીઓના વેતનમાંથી પ્રોવિડેન્ટ ફંડ માટે વધુ પૈસા કપાશે. આ સાથે જ કર્મચારી પ્રોવિડેન્ટ ફંડ માટે પોતાના પગારથી વધુ યોગદાન આપી શકશે.

એમ્પલોય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓ અને એમ્પ્લોયર બંનેને જ યોગદાન આપવું પડે છે. EPFમાં કર્મચારીઓએ પોતાના મૂળ વેતનના 12% યોગદાન આપવું જરૂરી છે. EPSમાં કર્મચારીઓએ પોતાનું કોઈ યોગદાન આપવાનું નથી હોતું, પરંતુ EPS એટલે કે એમ્પ્લોઈ પેન્શન સ્કીમમાં એમ્પલોયરના મૂળ વેતનના 12 ટકા% રકમમાંથી 8.33% EPS માં અને 3.67% કર્મચારીઓના EPF ખાતામાં જમા કરાવવાના હોય છે. EPF માટે વેજ લિમિટ વધવાના કારણે કર્મચારીઓના EPF ખાતામાં વધુ રકમ જમા થશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર હાલમાં 15000 રૂપિયા છે, તો EPF ખાતામાં 1800 રૂપિયા જમા થાય છે. અને જો વેજ લિમિટ વધીને 30,000 રૂપિયા થઈ જાય તો જે કર્મચારીઓનો મૂળ પગાર 30000 રૂપિયા છે તે કર્મચારીઓના EPF ખાતામાં 3,600 રૂપિયા જમા થશે.

EPF-EPS ની વેજ લિમિટ એ મર્યાદા છે જેના હેઠળ કર્મચારીઓ માટે EPF-ESICમાં પોતાના વતી કાયદાકીય યોગદાન આપવું જરૂરી છે. હાલમાં જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 15000 રૂપિયાથી વધુ છે, તો તે EPFમાંથી બહાર રહેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ જો વેજ લિમિટ વધારીને રૂ. 30,000 કરવામાં આવે તો વધુ લોકો EPFના દાયરામાં આવશે. હાલમાં 7 કરોડ સબસ્ક્રાઈબર્સ EPFOના સભ્ય છે.

શનિવાર 30 નવેમ્બર, 2024 ના રોજ EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રમ મંત્રાલયથી લઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ના સભ્યો વેજ લિમિટ વધારવાના પક્ષમાં છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

Leave a comment

Trending