ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે, એટલે કે કહી શકાય કે વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસમાં આ વર્ષે ઠંડીની શરૂઆત વિલંબ બાદ થઈ હતી, ત્યારે ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસ જેવો જ માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગત નવેમ્બર માસમાં ગુજરાતમાં વાતાવરણ અંગે અનેક ઉતારચઢાવ આવ્યા છે, જેમાં શરૂઆતના 15 દિવસ અત્યંત ગરમી તો ત્યાર બાદના 15 દિવસમાં ગુજરાતીઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે ડિસેમ્બર 2024 માટે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેમાં ડિસેમ્બર માસમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહની શરૂઆતના દિવસોમાં જ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાઈ શks છે, જે ઓમાન તરફ આગળ વધશે. આ ઉપરાંત સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને કારણે ગુજરાતના લઘુતમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા છે. ખાસ કરીને 8થી 10 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ફ્રેંગલ વાવાઝોડાએ દસ્તક આપી હતી, જેથી પુડુચેરી અને તામિલનાડુ દરિયાકાંઠા વિસ્તારમાં અત્યંત ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પણ રહ્યો હતો તથા એનો ભેજ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જી શકે છે અને એ આગળ વધતાં ઓમન તરફ ફંટાઈ શકે છે.
જોકે ગુજરાત પર એની ગંભીર અસર થશે નહીં, પરંતુ આગામી 16થી 20 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે, જે દક્ષિણ-પૂર્વ ભાગ તરફ ગતિ કરશે અને એને કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેતા હોવાથી એની અસરને કારણે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારોઘટાડો થઈ શકે છે. ખાસ કરીને આગામી 4 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર રહેતાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે 22થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં એક શીત લહેરની અસર વર્તાશે, એટલે કે 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે, એટલે કે કહી શકાય કે વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોનું લઘુતમ તાપમાન 15થી 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે તથા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12થી 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે.
તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગની ડિસેમ્બર માસ માટેની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન સામન્ય કે સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાને કારણે રાત્રિ દરમિયાન ઠંડીનું જોર સામાન્ય રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન એટલે કે દિવસ દરમિયાનનું તાપમાન સામાન્ય કે સમાન્યથી વધુ રહેવાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સમાન્ય ગરમીનો અનુભવ થઈ શકે, એટલે કહી શકાય કે વર્ષ 2024ને ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસની જેમ જ સમાન્ય ઠંડી રહેવાની શક્યતા છે.






Leave a comment