જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સ્કિન વિભાગ દ્વારા ૧લી ડીસે.વિશ્વ એઈડસ દિવસ નિમિતે આ રોગ અંગે સમજ આપી ઉજવણી કરાઇ હતી.
સ્કિન વિભાગના આસિ.પ્રોફે. ડો.જૂઈ શાહ અને સિની.રેસિ. ડો.ઐશ્વર્યા રામાણીના માર્ગદર્શન તળે થયેલી આ ઉજવણીમાં એચ.આઇ.વી. જેવા જાતીય અસુરક્ષાથી ફેલાતા રોગમાં કાઉન્સેલિંગના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને ડો.પ્રેરક કથિરીયા તેમજ ડો.મીરા પટેલે આ અંગે કહ્યું કે, જી.કે.માં આ પ્રકારના પરામર્શ માટે અલાયદો રૂમ સહિત તમામ વાતો અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે જેમાં આશાબેન પટેલ જે સરકાર નિયુક્ત એસ.ટી.આઈ. કાઉન્સેલર છે તે કાઉન્સેલિંગ કરે છે.
આ ઉપરાંત તબીબોએ લોકોને માર્ગદર્શન આપતા વધુમાં જણાવ્યું કે,આ રોગથી કેમ બચવું, ન થાય એ માટે શું સાવચેતી લેવી એટલું જ નહિ જો રોગના લક્ષણો જણાય અને ટેસ્ટ નેગેટિવ આવે તો ચોક્કસ સમયે ટેસ્ટનું પુનરાવર્તન કરી જાણી લેવું આવશ્યક છે.વધુમાં સારવાર જેટલી જલ્દી એટલી રાહત જલ્દી હોય છે. વળી વિન્ડો પિરીયડ માં ટેસ્ટ નેગેટિવ હોય, ચામડી ઉપર પણ કોઈ લક્ષણ ન દેખાય ત્યારે બીજામાં ફેલાવાનું પ્રમાણ વધી જાય છે, એમ ડો.નૌશીન શેખે અને ડો. જય અમ્લાણી એ કહ્યું હતું.
એચ.આઈ.વી. માટે પોસ્ટ એક્સપોઝર પ્રોફાયલેક્ષિસ જે PEP તરીકે ઓળખાય છે જેમાં ૭૨ કલાકમાં દવા લેવી જરૂરી છે. અને ત્યારબાદ ૨૮ દિવસ સતત દવા લેવી જોઈએ. જી.કે.માં એચઆઇવી પોઝિટિવ માટે એન્ટી રીટ્રોવાયરલ સારવાર પણ ઉપલબ્ધ છે.






Leave a comment