ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. મ્યુનિસિપલ સ્કુંલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે. 25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 3.5 કરોડના ખર્ચે આ કાર્નિવલ યોજાશે. જેમાં સાતે દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઇશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે.

કાંકરિયા કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, અમીત ખુવા, સુરજ બરાલીયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો તેમજ અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડી. જે. કીયારા સાથે શહેરીજનો ડી. જે. નાઈટની મજા માણી શકશે. કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.

  • લોક ડાયરો, બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલ તરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
  • જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પિટિશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પિરામિડ શો, સિંગિંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શો, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શો, પેટ ફેશન શો, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પિટિશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શો તેમજ સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમો
  • નેલ આર્ટ, ટેટુ મેકીંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમિંગ ઈવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્ઝ ડાન્સ, લાફિંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પિટિશન, ફિટનેશ ડાન્સ, વેલનેશ ટોક, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટિવેશનલ ટોક, સાલસા ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ, માટીકલા, જવેલરી મેકીંગ, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનીંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપ
  • શહેરીજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે,
  • કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટ અને ફલી માર્કેટ (હેન્ડી ક્રાફ્ટ બજાર) ઉભા કરવામાં આવશે
  • કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો તેમજ વી. આર. શોનું આયોજન કરવામાં આવશે
  • કાંકરિયા પરિસરમાં આવેલા વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રીક્રિએશન એક્ટિવિટીઝ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે
  • જગલર્સ, સ્ટીલ્ટ વોકર્સ, લાઈવ કેરેક્ટર્સ વિગેરે મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે

Leave a comment

Trending