જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનના નાકના બંને ભાગમાં થયેલી ગંભીર પ્રકારની ટ્યૂમર છેક આંખ અને મગજ સુધી પ્રસરી ગઈ હતી અને જમણી આંખનો ડોળો પણ બહાર આવી ગયો હતો આવી વિકટ પરિસ્થિતિમાં કાન નાક અને ગળા વિભાગના તબીબોએ સમયસર દૂરબીનથી ઓપરેશન કરી યુવાનને જીવન દાન આપ્યું હતું.
હોસ્પિટલના ચીફ મેડિ. સુપ્રિ. અને ઈ.એન.ટી. વિભાગના હેડ અને પ્રોફે..ડો.નરેન્દ્ર હિરાણી અને તેમની ટીમે સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, અંજારના ૨૪ વર્ષના મુકેશ કોળી નામના યુવાનને શ્વાસ લેવામાં તકલીફ સહિત જમણી આંખ બહાર આવી ગઈ હતી અને અનેક દુખાવા સાથે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં આવ્યાં ત્યારે તપાસ કરતા નાકના બંને વિભાગમાં ટ્યૂમર યાને ગાંઠ જણાઈ.
તબીબોએ વધુ જટિલતા ચકાસવા સિટીસકેન જેવા મેડિકલ અહેવાલ તૈયાર કરાવ્યા તો સ્થિતિ વધુ ગંભીર જણાઈ અને નાકની ગાંઠ છેક આંખ ઉપરથી થઈ મગજ સુધી ફેલાઈ ગઈ હતી.દર્દીને તાત્કાલિક દાખલ કરી ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો.વળી દર્દીને મગજમાંથી પાણી નીકળતું હતું અને તેને ડાયાબિટીસ પણ જણાયો.
આટ આટલી જટિલતા વચ્ચે પણ દૂરબીનથી સફળ ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવી લેવાયો..આ શસ્ત્રક્રિયા ન થાય અને ઓપરેશનમાં તકેદારી ન રખાય તો અનેક ગૂંચવણ ઊભી થાય જેમકે,.મગજમાંથી પાણી વધુ લીક થાય, મગજમાં ચેપ લાગે, દ્રષ્ટિ જઈ શકે, વધુ પ્રમાણમાં રક્ત વહી શકે, દર્દીના જીવને પણ જોખમ ઊભું થાય.
આ શસ્ત્રક્રિયામાં ડો. નરેન્દ્ર હિરાણી સાથે ડો.રશ્મિ સોરઠીયા, ડો. હેતલ, ડો.સર્વિલ, ડો.નિખિલ, ડો. મ્રીદ્ધિમા તેમજ એનેસ્થેટિક ડો.ધ્રુવ, ડો.રાજમય અને ડો.પ્રિયા જોડાયા હતા.






Leave a comment