જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં સંક્રામક અને શ્વસનમાર્ગને પ્રભાવિત કરતા ડિપ્થેરિયાથી પીડિત કિશોરીને સમયસર સારવાર ઉપલબ્ધ બનતા તેનો જીવ તો બચી ગયો સાથે હવે સ્વસ્થ જીવન પણ વ્યતિત કરે છે.
જી.કે.ના બાળ રોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ માંડવીની ૧૦ વર્ષીય ઈશ્વરી જોશીને તાવ, ગળામાં દુખાવો, શ્વાસમાં તકલીફ સાથે હોસ્પિટલમાં આવતા ડોક્ટર્સ દ્વારા લક્ષણો જોઈ ડિપ્થેરિયાનું નિદાન કર્યું. આ એવી ગંભીર બીમારી છે કે જેના કારણે ગળામાં ટોન્સિલ ઉપર સફેદ રંગના પડ જામી જાય છે, જે શ્વસન પ્રવાહમાં અવરોધ સર્જે છે. ડોક્ટરોનું કહેવું છે કે જો ઈશ્વરીને આવતા થોડો વધુ સમય થયો હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકે એમ હતી.
બાળરોગ નિષ્ણાત ડો.શમીમ મોરબીવાલાએ કહ્યું કે, દર્દીને તુરત હોસ્પિટલમાં દાખલ કરી તાત્કાલિક સારવાર શરૂ કરી અને એન્ટીટોક્સિન ઈન્જેક્શન અને એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી. આ ઉપરાંત, શ્વાસ લેવામાં રાહત આપવા માટે જરૂરી સાધનોનો ઉપયોગ કર્યો. તેની સંપૂર્ણ કાળજી રાખી પરિણામે તેના આરોગ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો.અને તેને ડિસ્ચાર્જ પણ આપી દીધો અને હવે ખુશહાલ જીવન જીવે છે.
દર્દીને સમયસર સારવાર મળતા ઇશ્વરીના કુટુંબી જનોએ બાળરોગ વિભાગની સારવાર આપનાર તબીબો ડો . વિનિશા માખીજાણી, ડો.દ્વિજ પટેલ, ડો.શિવાની, ડો.રાજુ ગરચર, ડો.ચંદ્રરાક ઓઝાનો અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો.
ડિપ્થેરિયાના લક્ષણો અને સાવચેતી તથા બચાવ:
ડિપ્થેરિયાથી ગળામાં ખારાશ, તાવ, ગળામાં કાકડા ઉપર સફેદ રંગના પડ,શ્વાસ લેવામાં તકલીફ, લસિકા ગ્રંથિ ઉપર સોજો આવવો અને કમજોરી જણાતી હોય છે. ડિપ્થેરિયાથી બચવા બાળકોને રસીકરણ જરૂરી હોય છે. અને ૧૨ વર્ષની આસપાસ પુન: રસી આપવી પણ આવશ્યક બને છે. વ્યાસકોને પણ એક વખત સંયુક્ત ડિપ્થેરિયાનો બુસ્ટર ડોઝ લગાવવો જોઈએ એમ, બાળરોગ વિભાગના હેડ ડોક્ટર રેખાબેન થડાનીએ જણાવ્યું હતું.






Leave a comment