ઠંડીએ હવે તેનું અસલ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ ઋતુમાં ઉનાળાની સરખામણીમાં પાણી પણ ઓછું પીવાય છે, તેથી ડીહાઇડ્રેશન (પાણીની કમી) અને સુવા- ઉઠવાનું ચક્ર પણ અસરગ્રસ્ત થાય છે. પર્યાપ્ત શારીરિક ગતિવિધિ ઓછી થવાથી પાચનતંત્ર ઉપર પણ પ્રભાવ પડે છે. આ ઋતુમાં હળવા ગરમ પાણીનું અથવા ગ્રીનટી નું સેવન, હર્બલ ટી અને બે ત્રણ લીટર પાણી પીવાની સલાહ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો અને આહાર ફિટનેસ નિષ્ણાતોએ આપી છે.
આજકાલ સવાર સાંજ વધુ ઠંડી હોવાથી વોકિંગ ઉપર પણ અસર થાય છે, તેથી ઘણીવાર આ ઋતુમાં વજન વધતું લાગે છે આવી સ્થિતિ ઊભી થાય ત્યારે બપોરે તડકો નીકળે ત્યારે ટહેલી શકાય છે.
ખોરાકને સંબંધ છે, ત્યાં સુધી રોજિંદા ખોરાક ઉપરાંત ચીકી વિગેરે ખાવાથી પર્યાપ્ત કેલેરી પ્રાપ્ત થઈ શકે છે. જો ખાવા- પીવામાં લાપરવાહી વર્તાય તો પણ વજન વધી શકે છે. સંભાળીને ભોજન કરવું અને કેલરી ઉપર પણ સતત નજર રાખવી જરૂરી છે. આ દિવસોમાં ઘરમાં સુરક્ષિત વ્યાયામ ખૂબ જ જરૂરી છે. જો અન્ય વ્યાયામ ન થઈ શકે તો ઓછામાં ઓછા પાંચ વખત સૂર્ય નમસ્કાર કરી શકાય છે. બાળકોથી લઈને આ વ્યાયામ કોઈ પણ કરી શકે છે. યોગ શિક્ષક અને તબીબોની સલાહ મુજબ પ્રાણાયામ પણ કરી શકાય છે.
આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઠંડીમાં એસીડીટી પણ વધી શકે છે, તેનું કારણ મુખ્યત્વે જીવનશૈલી છે. ગરમ વસ્તુનું અને મસાલેદાર ભોજનથી પણ પિત્ત વધી શકે છે. ક્યારેક વધુ ખાવાથી અથવા ભૂખ્યા રહેવાથી પણ એસિડિટી થઈ શકે છે. ખાટા ઓડકાર, પેટ ફૂલી જવું, માથામાં અને પેટમાં દુખાવા જેવી તકલીફ થાય છે, ત્યારે તબીબની સલાહ લેવી જરૂરી છે.
ઠંડીની ઋતુમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું :
ક્યારેય એકાએક કાર્ડિયાક કસરત શરૂ ન કરવી. જોશમાં આવી ઘણા લોકો ટ્રેડ મીલ ઉપર દોડવાનું શરૂ કરી દે છે. જેથી ફેફસાં અને હૃદય ઉપર જોર પડી શકે છે. કસરત આરામથી કરવાની જરૂર છે. બુઝુર્ગોએ બપોરે તાપમાં બેસવું. જો ઠંડીમાં વ્યાયામ વખતે શ્વાસ ચડે તો ચિકિત્સકની સલાહ લેવી જ.






Leave a comment