રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવા પ્રયત્ન કરો.
રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ-ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજય ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સદભાવના વૃદ્ધાશ્રમ વતી સંસ્થાના સંરક્ષક અને માર્ગદર્શક ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીને આર્શીવચન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રી સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરીયા અને મિતલ ખેતાણી દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ભાવિ આયોજન અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
આ સંસ્થાના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને મોમેન્ટો અને શાલ ભેટ કરી આવકાર્યા હતા. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા. ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો નિવાસ કરી રહ્યા છે. જેમાં 200 જેટલા વડીલો પથારીવશ છે. હાલ સંસ્થા દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય એવું વિશ્વનું સૌથી મોટું 1400 રૂમયુક્ત નવું પરિસર રૂ.300 કરોડનાં માતબર ખર્ચે રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ, શ્વાન આશ્રમ તેમજ રાહત દરે મેડીકલ સ્ટોર, નિ:શુલ્ક પશુ દવાખાનું, પાંજરાપોળ, પડતર કિંમતની નર્સરી પણ ચલાવવામાં આવે છે.
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર-સંકુલ માટે કુલ 32 વીઘા જમીનની ખરીદી કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, હરિભાઈ પટેલ અને કડવા પાટીદાર સમાજની દરેક સંસ્થાના પ્રમુખ હાજર રહ્યાં હતાં.
રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરતાં જણાવ્યું હતું કે જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ એવી જ રીતે આપણે સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો અને ઉદ્યોગની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ. વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવી જોઈએ. આપણો દીવો ચાલુ હોય તો એમાં આડા બે હાથ રાખી એને પવનનો ઝપાટો ન લાગે એની કાળજી રાખવી જોઈએ. યુવાનોને વ્યસનો અને આદતોથી દૂર રાખશો તો સમાજ છે એના કરતાં પણ હજુ આગળ વધશે.
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે. કારણ કે જયારે જયારે પ્રગતિ થાય ત્યારે ત્યારે સાથે દુષણ આવે છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં પણ કાર્યક્રમ કરીશું. ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ધર્મના કાર્યની સાથે સમાજ સેવાનાં કર્યો પણ કરવામાં આવશે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં સુશાસનના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે. સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનની માફક રાજકોટનો વિકાસનો પ્રયત્ન છે. ગુજરાતમાં 14 લાખ પ્રધાનમંત્રી આવાસો બનાવ્યાં છે. 2047ના સમયને વડાપ્રધાને અમૃતકાળ ગણાવ્યો છે. નગરો હરિયાળા, સ્વચ્છ બને એ જરૂરી છે. સ્વચ્છ, સમૃદ્ધ અને વિકસિત ગૂજરાતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ મનોદિવ્યાંગનો એવોર્ડ મેળવનાર નીતિ રાઠોડને રાજ્ય સરકાર તરફથી રૂ. 51,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.






Leave a comment