સંસદનું શિયાળુ સત્ર વિપક્ષના હોબાળાને કારણે ખોરવાઈ રહ્યું છે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો રજૂ કરવા અને પસાર કરવાના સૂચિબદ્ધ છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો દ્વારા વિરોધ અને હોબાળો સતત જોવા મળી રહ્યો છે. ઠેરઠેર તેની ટીકા પણ થઈ રહી છે, તેવામાં ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવે પણ વિપક્ષના અવાંછિત વલણની નિંદા કરી છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં તેમણે અદાણી જૂથનું નામ લીધા વિના સંપત્તિ સર્જકો પર રાજકારણ ન રમવા અવાજ ઉઠાવ્યો છે.
‘દેશના ઉદ્યોગપતિઓને રાજકીય ફૂટબોલ ન બનાવો’: અદાણી જૂથ પર વિપક્ષના પાયાવિહોણા આરોપો વચ્ચે તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, ‘ભારતના સંપત્તિ સર્જકો અને રોજગારી પ્રદાન કરનારાઓને રાજકીય ટકરાવનો વિષય ન બનવો જોઈએ. જો વિસંગતતાઓ હોય તો પણ કાયદાના દાયરામાં રહીને તેને ઉકેલી શકાય છે, પરંતુ એ વિષયોને રાજકારણ માટે ‘ફૂટબોલ’ ન બનાવવા જોઈએ.
ભારતીય વ્યવસાયોને ભવ્ય ભારતના નિર્માણના અભિન્ન અંગ ગણાવતા, સદગુરૂએ જણાવ્યું હતુ કે, ‘સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીય વ્યવસાયો સતત આગળ વધી રહ્યા છે. આ જ માર્ગે ભારત ભવ્ય ભારત બનશે’. સદગુરૂની આ ટિપ્પણી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે આવી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળની જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ની કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા અને બેંકોની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ આરોપોના જવાબમાં પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવેલા મહત્વના સુધારાઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં રૂ. 3.26 લાખ કરોડ સાથે બેન્કોમાં પુનઃમૂડીકરણનો, ફાઈનાન્સીયલ ઈન્ક્લુઝન, બેંકિંગ સેક્ટરમાં 4આરની વ્યૂહરચનાઓ સહિતની યોજનાઓ સમાવેશ થાય છે. યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય સદગુરૂ જગ્ગી વાસુદેવ એક આધ્યાત્મિક ગુરૂ, યોગ-ધ્યાનના પ્રચારકની સાથોસાથ મોટીવેશનલ સ્પીકર પણ છે. 1992 માં તેમણે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. યોગ, ધ્યાન અને આધ્યાત્મિક યાત્રા માટે તે વિશ્વભરમાં જાણીતું છે. અધ્યાત્મિકતા, જ્ઞાન, ફિલસૂફી, પ્રેમ અને ચેતના વિશે ઉંડી સમજ આપતા સદગુરૂએ લાખો લોકોને જીવનની નવી રાહ ચીંધી છે






Leave a comment