કચ્છમાં સપ્તાહની શરૂઆતથી ઠંડીઅે મજબૂત પકડ જમાવી છે ત્યારે નલિયામાં છેલ્લા પાંચ દિવસથી ન્યૂનતમ તાપમાનનો પારો એક આંકે રહેતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાઇ રહ્યા છે. શુક્રવારે અબડાસાનું મખ્ય મથક 8 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી શીત નગર તરીકે યથવત્ રહ્યું હતું. હાલે ઠંડીમાં નોંધપાત્ર રાહતની સંભાવના નહિવત છે.
દર શિયાળે ઠંડીના સકંજામાં સપડાતા નલિયા ખાતે રાત્રિનું તાપમાન સતત પાંચમાં દિવસે એક આંકડામાં રહ્યું હતું તો મહત્તમ ઉષ્ણતામાન પણ 25.8 ડિગ્રી રહેતાં લોકોને દિવસે પણ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. પ્રતિ કલાક સરેરાશ 8 કિલો મીટરની ગતિએ ઉત્તર-પૂર્વ દિશાએ ફૂંકાયેલા ઠંડા પવનને કારણે મોડી સવાર સુધી ઠાર અનુભવાયો હતો. તો સૂર્યાસ્ત થતાં જ માર્ગો પર ચહલ પહલ નોંધપાત્ર રીતે ઘટી હતી. છેલ્લા કેટલાક દિવસથી છવાયેલા ઠારના સામ્રાજ્યને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે.
ભુજમાં રાત્રિનું તાપમાન આંશિક ઉંચકાઇને 12 ડિગ્રીએ પહોંચ્યું હતું પણ દિવસભર ઠંડો પવન ફૂંકાતા ઠારની ધાર તેજ બની હતી. રાત્રે 10 વાગ્યા બાદ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું પરિણામે રહેણાક વિસ્તારો સૂમસામ ભાસ્યા હતા. કંડલા એરપોર્ટ મથકે પારો આંશિક નીચે ઉતરીને 10.9 ડિગ્રી રહેતાં ગાંધીધામ અને અંજાર પંથકમાં ઠંડીની પકડ મજબૂત બની હતી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકોએ તાપણા સળગાવ્યા હતા. કંડલા બંદરે ન્યૂનતમ ઉષ્ણતામાન 14.4 ડિગ્રી નોંધાયું હતું.






Leave a comment