કચ્છના પલાસવાથી સુરેન્દ્રનગરના ટિકકર સુધીના રણ માર્ગે ફોરલેન બનાવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરાઈ

રાપર તાલુકાની રણ કાંધીએ આવેલા પલાંસવાથી સૌરાષ્ટ્રના ટીકર સુધીના વાયા હળવદ ફોરલેન રોડને મંજૂરી મળે તે માટે મુખ્યમંત્રી ને પત્ર દ્વારા રજૂઆત કરાઈ છે. સુરજબારી માર્ગની અવેજીમાં રણ વચ્ચેનો માર્ગ નિર્માણ થાય તો બન્ને જિલ્લાનો માર્ગ વાહન વ્યવહાર વધુ ફાયદાકારક બની શકે તેમ છે. જોકે નાના રણમાં આવતા ઘુડખર અભયારણ્યને લઈ મંજૂરી પ્રક્રિયા ભૂતકાળમાં અટકી ગઈ હોવાનું કારણ બહાર આવ્યું હતું.

આ બાબતે પલાંસવા ગામના ભરવાડ શકતાભાઈ નારણભાઈએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાપર તાલુકાનાં પલાંસવાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં ટીકરને જોડતા માર્ગને મંજૂરી મળે તો કચ્છ-સૌરાષ્ટ્રના લોકો માટે આ માર્ગ આશીર્વાદરૂપ બની શકે છે. જોકે કચ્છના નાના રણમાંથી નીકળતા આ રસ્તાની મંજૂરી કેન્દ્રનાં પર્યાવરણ વિભાગમાં અટવાઈ છે.

વર્ષ 1997-98નાં મંજૂર થયેલ એલાયમેન્ટ ઉપર વધુ ઊંચાઈ ધરાવતો રેકાલેશન કામ રોડ બનાવવામાં આવે તો તેનાં સારા પરિણમ મળવા સંભવ છે અને બંને જિલ્લામાં રણ નજીકની ઘણી બધી જમીન નવસાધ્ય થશે. વર્ષ 1965અને 1975નાં પાક. યુદ્ધ સમયે જામનગર અને ધ્રાંગધ્રાથી પ્લાટુન આ રસ્તેથી જ પસાર થઈ સમયસર યુદ્ધનાં મોરચે પહોંચી શકી હતી. વર્ષો પૂર્વે આ રસ્તે મોરબી, રાપર અને ધ્રાંગધા ચિત્રોડ બંને બસ સેવાઓ પણ ચાલતી હતી. સૂરજબારી પુલ કે તેની આસપાસ સામખિયાળી- માળિયા નેશનલ હાઈવે ઉપર જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાતી હોય છે.

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદમાં મચ્છુ ડેમ ઓવરફલો થાય ત્યારે પણ માળિયા-સામખિયાળી હાઈવે બંધ કરવાની ફરજ પડે છે. જો પલાંસવાથી ટીકર વાયા હળવદ ફોરલેન મંજૂર કરવામાં આવે તો વાહનચાલકોના સમય શક્તિમાં મોટી રાહત મળી શકે એમ છે.વાસ્તે આ માર્ગને સત્વરે રાજ્ય સરકાર કેન્દ્રનાં પર્યાવરણ વિભાગમાંથી મંજૂરી મેળવીને પલાંસવા ટીકર રોડને મંજૂર કરે તેવી લાગણી મુખ્યમંત્રીને પત્ર લખીને વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a comment

Trending