ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતના દિગ્ગજ બેટર્સ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ યશસ્વી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો.
જોકે યશસ્વી જયસ્વાલની વિકેટ પર હોબાળો થયો હતો. મેચના પાંચમા દિવસે જયસ્વાલ વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. જોકે જયસ્વાલના કેચ પર સ્નિકોમીટરમાં કોઈ સ્પાઇક જોવા મળ્યો નહોતો. જ્યારે જયસ્વાલને આઉટ આપ્યો ત્યારે સ્ટેન્ડમાંથી ‘ચીટર-ચીટર’ના અવાજો પણ સંભળાયા. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કર જે કોમેન્ટરી કરી રહ્યા હતા ત્યારે તેઓ પણ જયસ્વાલની વિકેટ પર ગુસ્સે થયા હતા. વધુમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ સોશિયલ મીડિયામાં ઊભરો ઠાલવ્યો.
208 બોલનો સામનો કરતા યશસ્વીએ 84 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. યશસ્વીને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જોકે યશસ્વી જે રીતે આઉટ થયો તે થોડો કમનસીબ હતો. ઓન-ફિલ્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો નહોતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે DRS લીધા બાદ થર્ડ અમ્પાયર શરાફુદ્દૌલા (બાંગ્લાદેશી અમ્પાયર)એ નિર્ણયને પલટી નાખ્યો હતો.
રિપ્લેમાં સ્નિકોમીટર પર કોઈ સ્પાઇક જોવા મળ્યું નહોતું, પરંતુ બાંગ્લાદેશી અમ્પાયર શરાફુદ્દૌલાએ ડિફ્લેક્શનના આધારે નિર્ણયને પલટી નાખ્યો હતો. હવે સવાલ એ છે કે જ્યારે થર્ડ અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી તો તેમણે ઓનફિલ્ડ અમ્પાયર સાથે જવું જોઈતું હતું.
સમગ્ર વિવાદ ભારતીય ઇનિંગ્સની 71મી ઓવરના પાંચમા બોલ પર બન્યો હતો. પેટ કમિન્સે તે બોલ લેગ સ્ટમ્પ બહાર શોર્ટ-ઑફ લેન્થ બોલ ફેંક્યો હતો. જયસ્વાલે એને હૂકશોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ વિકેટકીપર એલેક્સ કેરી પાસે ગયો, જેણે આગળ ડાઇવ મારીને બોલને પકડ્યો. કમિન્સને ખાતરી હતી કે જયસ્વાલ આઉટ છે, તેથી તેણે DRS લીધું. યશસ્વીને પૂરો વિશ્વાસ હતો કે તે નોટઆઉટ છે. થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ તે ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.
થર્ડ અમ્પાયરે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો હતો અને યશસ્વી 84 રન બનાવીને ટીમની આગેવાની કરી રહ્યો હતો. આ નિર્ણય બાદ મેદાનમાં હાજર ભારતીય ચાહકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા






Leave a comment