સમગ્ર વિશ્વમાં હાલ નવા વર્ષના આગમનને લઈ ખુશીનો માહોલ છવાયેલો છે, ત્યારે કચ્છમાં વર્ષના પ્રારંભ સાથેજ સવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. બે દિવસના અંતરાલ બાદ આજે સવારે 10.24 મિનિટે તાલુકા મથક ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પૂર્વી દિશાએ એકલ મંદિત થી ભરૂડિયા ગામ વચ્ચેના નિર્જન સ્થળે કેન્દ્ર બિંદુ ધરાવતા આંચકાથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ચાર દિવસમાં વાગડ ફોલ્ટ લાઈન ઉપર 3.2ની તિવ્રતાનો આ બીજો આંચકો નોંધાયો છે, જે વાગડ માં ભૂગર્ભિય સળવળાટ યથાવત રહી હોવાનું દર્શાવે છે.
ભુકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં સદીઓથી ધરતીકંપ ના નાના મોટા આંચકા ભૌગોલિક પરિસ્થિતિમાં ફેટબદલ લાવતા રહ્યા છે. ખાસ કરીને વર્ષ 2001ના સદીના મહા ભુકંપ બાદ પેટાળમાં પણ ફેરફાર નોંધાયો હતો અને જળાશયોમાં પાણીની માત્રામાં ભારે ચડાવ ઉતાર આવ્યો હતો. અલબત્ત આ મોટા ભૂકંપના સવા બે દાયકા બાદ પણ જિલ્લામાં ધરતીકંપના નાના મોટા અસંખ્ય આફટરશોક આવતા રહે છે, જોકે ભૂસ્તરશાસ્ત્રીઓના મતે લઘુ અને મધ્યમ કક્ષાના આફ્ટર શોકથી પેટાળની ઉર્જા ઉપાર્જિત થઈ જતી હોવાથી મોટા ભૂકંપની શકયતા રહેતી નથી.






Leave a comment