ભારતીય શેરબજારમાં અને ખાસ કરીને વાયદા બજારમાં સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા અને આ સેગમેન્ટમાં રિટેલ ભાગીદારી ઘટાડવા માટે સેબીએ ઉગામેલા દંડાની ભારે અસર જોવા મળી રહી છે. ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એવરેજ ડેઇલી ટર્નઓવર (એડીટીવી) ડિસેમ્બરમાં ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું.
માત્ર વાયદા બજારના વેપારમાં ઘટાડો જ નહિ પરંતુ સામે પક્ષે કેશ સેગમેન્ટનું ટર્નઓવર જે સતત પાંચ મહિનાથી ઘટી રહ્યું હતું, તે ડિસેમ્બરમાં માસિક ધોરણે ૪.૪ ટકા વધ્યું હતું. ડિસેમ્બર મહિનામાં બીએસઈ અને એનએસઈ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં એડીટીવી ઘટીને રૂ. ૨૮૦ લાખ કરોડ થઈ ગયું છે, જે ઓગસ્ટ ૨૦૨૩ બાદનું તળિયું છે. નવેમ્બર, ૨૦૨૪ની સરખામણીએ જ જોઈએ તો સરેરાશ વેપાર ૩૬.૫૬ ટકા ઓછો રહ્યો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આપણે ડિસેમ્બર મહિનાના વોલ્યુમની સપ્ટેમ્બરના આંકડા સાથે સરખામણી કરીએ તો તેમાં ૪૮ ટકા સુધીનો મસમોટો ઘટાડો જોવા મળે છે એટલેકે અડધું થઈ ગયું છે. ઈન્ડેક્સ ફ્યુચર્સ ટર્નઓવર સતત બીજા મહિને ઘટયું હતું, જ્યારે સ્ટોક ફ્યુચર્સ, ઈન્ડેક્સ ઓપ્શન્સ અને સ્ટોક ઓપ્શન્સમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો હતો.
અત્રે નોંધનીય છે કે રિટેલ ટ્રેડર્સને વધી રહેલી ખોટી લત અને વધતા નુકસાનથી બચાવવા માટે, સેબીએ કોન્ટ્રાક્ટની મોટી સાઇઝ, માર્જિનમાં વધારો અને ટ્રેડેડ પ્રોડક્ટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.
આ સિવાય વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા અને સ્થાનિક બજારમાં ભારે વધઘટને કારણે વેપારીઓએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું અને તેના કારણે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ભાગીદારી ઘટી હતી. રસપ્રદ વાત એ છે કે વીકલી ડેરિવેટિવ્ઝ એક્સપાયરી નવા વર્ષથી એટલેકે આજથી ૧ જાન્યુઆરીથી બંધ થઈ છે અને કોન્ટ્રાક્ટની સાઈઝ મોટી થઈ ગઈ છે જે આગામી સમયમાં ટ્રેડિંગ વોલ્યુમમાં હજી વધુ ઘટાડો કરી શકે છે.
સામે પક્ષે ડિસેમ્બરમાં માસિક ધોરણે કેશ માર્કેટનું ટર્નઓવર વધવા પાછળ ઢગલાબંધ આઈપીઓ અને તેમના પ્રભાવશાળી લિસ્ટિંગથી રોકાણકારોનો વધતો રસ તથા ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ટોચના ૫૦૦ શેરોમાં સમાન-દિવસના સેટલમેન્ટ રેગ્યુલેશનનો અમલ થવા જઈ રહ્યો છે જેથી બજાર વાતાવરણ પણ સકારાત્મક બન્યું છે.






Leave a comment