પહેલીવાર જાન્યુઆરીમાં ગુજરાત યુનિ.માં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષથી જાન્યુઆરીમાં બી.કોમ અને બી.એ.ની પ્રવેશ પ્રક્રિયા થશે. જે વિદ્યાર્થીઓ અગાઉ પ્રવેશથી વંચિત રહી ગયા હોય તે વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. અત્યાર સુધી દિવાળી પહેલા જ એડમિશન પ્રક્રિયા ચાલુ રહેતી હતી પરંતુ, હવે પ્રથમ વખત જાન્યુઆરીમાં એડમિશન શરૂ થશે એટલે કે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત પ્રવેશ મેળવી શકશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા જૂન-જુલાઈ મહિનાથી શરૂ થતી હતી, જે ઓક્ટોબર-સપ્ટેમ્બર મહિના સુધી ચાલતી હતી પરંતુ, આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીમાં પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બી.એ. અને બી.કોમના કોર્સ માટે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન જ ચાલશે. જે કોલેજમાં જગ્યા ખાલી હશે તે વિગત વિદ્યાર્થીઓને ઓનલાઈન દેખાશે તેના આધારે વિદ્યાર્થીઓ કોલેજની પસંદગી કરીને પ્રવેશ મેળવી શકશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટે GCAS પોર્ટલ સાથે વાતચીત ચાલી રહી છે. તેથી, GCAS પોર્ટલ દ્વારા અથવા તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જ પ્રવેશ પ્રક્રિયા યોજાશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પ્રવેશ મેળવશે તે 6 મહિના મોડા હશે. જેથી, આ વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા અલગથી લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત જાન્યુઆરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ પ્રવેશ પ્રક્રિયા UGCના નિયમ મુજબ જ કરવામાં આવશે.આ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન જ રહેશે. અગાઉ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રક્રિયાથી ફાયદો થશે.

Leave a comment

Trending