જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી પૂરું પાડી શકાય એ હેતુસર રક્ત એકત્રિત કરવા કરાતા પ્રયત્નોમાં કચ્છની વિવિધ સંસ્થાઓનો મહત્વનો ફાળો રહ્યો છે.
વીતેલા વર્ષ દરમિયાન કચ્છની જુદી જુદી સામાજિક સંસ્થાઓએ જી.કે.ના સહયોગથી ૭૯ બ્લડ કેમ્પનું આયોજન કરી ૬૬૨૪ બોટલ રક્ત આપી રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું. એમ બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું.
આ ૭૯ કેમ્પ પૈકી સૌથી વધુ ૧૧ કેમ્પ અદાણી ગ્રુપના ચેર પર્સનશ્રી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે જૂન માસમાં આયોજિત કરાયા હતા અને તે અંતર્ગત સૌથી વધુ ૧૬૨૪ બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું.
બ્લડ બેંકના ટ્રાન્સફયુઝન મેડિસિનના આસિ. પ્રોફે.ડો સુમન ખોજા અને બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યા મુજબ વીતેલા વર્ષમાં કુલ્લ ૭૯ કેમ્પ ઉપરાંત હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કના ઈનહાઉસમાં ૩૮૭૦ બોટલ મળીને કુલ્લ ૧૦૪૯૪ બોટલ રક્ત વર્ષ દરમિયાન ભેગું કરવામાં આવ્યું હતું.
દરમિયાન વીતેલા ડિસેમ્બર માસમાં કુલ ૮૦૭ બોટલ રક્ત મેળવવામાં આવ્યું હતું.જેમાં ૭ કેમ્પનો ફાળો રહ્યો હતો.સૌથી વધુ ધાણેટી સ્થિત કેમ્પ દ્વારા એકજ કેમ્પમાં ૨૦૦ બોટલ લોહી ગ્રામ જનોએ આપ્યું હતું. સ્વ.હરિભાઈ ડાંગરની(એચ.આર.) સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદ મેડિ.અને ચેરીટેબલ ટ્રસ્ટ ધાણેટીએ આ કેમ્પનું આયોજન કર્યું હતું.






Leave a comment