સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં સેમેસ્ટર-1માં અભ્યાસ કરતા 69,234 વિદ્યાર્થીઓની 162 કેન્દ્રો ઉપરથી પરીક્ષા આજથી શરૂ થઈ છે. જેમાં ધોરણ 12 પાસ કરી કોલેજમાં પ્રથમ વખત પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારની નેશનલ એજ્યુકેશન પોલીસીમાં આપવામાં આવેલા વિષયોના વૈવિધ્યથી ભણવામાં રસ પડે છે. મૂળ અભ્યાસની સાથે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના ભાગવત ગીતા, ભારતીય નારી રત્નો સહિતનાં વિષયોથી ધાર્મિક જ્ઞાન અને ભારતીયતાથી વાકેફ થવાની સાથે ડિગ્રી પણ મળે છે. ધોરણ 12 કોમર્સમાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થતાં મોટાભાગના વિદ્યાર્થીઓનું સ્વપ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું છે.
બીકોમ સેમેસ્ટર-1ની પરીક્ષા આપતી વિદ્યાર્થિની ધારા રાધનપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી જે ખૂબ જ સારી બાબત છે. જેમાં મેજર અને માઈનોર વિષયો ઉપરાંત ઇન્ડિયન નોલેજ સિસ્ટમના વિષયો સહિતના ઓપ્શન આપવામાં આવેલા છે. જેમકે ભાગવત ગીતા, ભારતીય નારી રત્નો તથા માનવ અધિકારો અને મૂળભૂત ફરજો જેવા વિષયો અભ્યાસક્રમમાં ભણવાની તક મળે છે. જેથી વિદ્યાર્થીઓને ઘણા બધા વિષયોની પસંદગી મળે છે. ધોરણ 12માં મારે 95 ટકા આવેલા છે અને હવે બીકોમ બાદ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન છે.
અન્ય વિદ્યાર્થિની માનસી ગોહેલે જણાવ્યું હતું કે, ધોરણ 12 કોમર્સ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત કોલેજની પરીક્ષા આપી રહ્યા છીએ. થોડો કોન્ફિડન્સ અને થોડો ડર પણ છે. નેશનલ એજ્યુકેશન પોલીસી અંગે અમારી કોલેજમાં તમામ વિષયો અંગેની માહિતી આપવામાં આવી હતી. આજે ફાઇનાન્સિયલ એકાઉન્ટનું પ્રથમ પેપર છે. NEPમાં મેજર વિષયોમાં ફાઇનાન્સિયલ એકાઉન્ટ, બિઝનેસ એકાઉન્ટ છે. તો મેથેમેટિક્સ અને અંગ્રેજીમાં ઘણા બધા ઓપ્શન છે. બીકોમ બાદ CA કરવાનું સ્વપ્ન છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 162 કેન્દ્રો પરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં 103 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. બીએ સેમ. 1માં સૌથી વધુ 21,913 તો બીકોમ સેમ. 1માં 19,651 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત બીબીએ સેમ. 1માં 6163 જ્યારે બીસીએ સેમ. 1માં 8336 પરીક્ષાર્થીઓ છે. જોકે આ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના લાઈવ CCTV વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16મી જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વખતે મકરસંક્રાંતિમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાને બદલે પુસ્તક લઈને વાંચવું પડ્યું હતું. જેમાં એકસાથે 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેથી તેમાં નિગરાણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV તો છે જ પરંતુ તેમાં મોટાભાગે સેન્સેટિવ અને ગ્રામ્ય વિસ્તારના 162માંથી 103 પરીક્ષા કેન્દ્રો ઉપર ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે. આ સાથે જ દરેક ક્લાસમાં સુપરવાઇઝર પણ ફરજ બજાવશે.
જોકે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના સીસીટીવી વેબસાઈટ ઉપર ઓનલાઇન જોઈ શકવાની પરંપરા સંભવત: બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી દ્વારા પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટીની તમામ પરીક્ષાના લાઇવ સીસીટીવી વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવતા હતા. ત્યારબાદ વચ્ચે સિન્ડિકેટ સભ્યોના વિરોધને કારણે આ સીસીટીવી જાહેર કરવાનું બંધ કરાયું હતું, પરંતુ બાદમાં વિવાદ થતા ફરી આ સીસીટીવી શરૂ કરાયા હતા, પરંતુ હવે પરીક્ષા વિભાગના OSD નિલેશ સોની દ્વારા સર્વર ચેન્જ કરવાનું હોવાનું બહાનુ છેલ્લી બે પરીક્ષાથી આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ મોટી પરીક્ષામાં પણ સીસીટીવી જાહેર કરવામાં નથી આવ્યા. જેથી કહી શકાય કે, યુનિવર્સિટીના સીસીટીવી વેબસાઈટ ઉપર જાહેર કરવાની પરંપરા હવે બંધ થઈ જશે.






Leave a comment