ઠંડીની ઋતુમાં વાદળીયું વાતાવરણ, પવન અને હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો તંદુરસ્ત માનવીને પણ બીમાર કરે છે, ત્યારે શ્વાસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે તો આવું વાતાવરણ પડકારરૂપ બની જાય છે. આ ઋતુમાં ન્યુમોનિયા, ફ્લ્યુ,અસ્થમા એટલે કે દમ, રોગ અને ઉધરસ અને સી.ઓ.પી.ડી.( ફેફસા અને શ્વાસના માર્ગોથી જોડાયેલી બીમારી) ના દર્દીઓની સંખ્યા વધી જાય છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં શિયાળામાં પ્રતિ માસે સરેરાશ ૩૫૦જેટલા દર્દી શ્વાસના રોગની સારવાર લે છે.
જી.કે.ના પલ્મોનોલોજી વિભાગના ડો.કલ્પેશ પટેલ અને ડો.પાર્થ પટેલના જણાવ્યા મુજબ ઠંડીની ઋતુમાં શ્વાસ સંબંધી વધતાં જતા દર્દીઓને સુરક્ષા જરૂરી છે. નાના બાળકો અને બુઝૂર્ગોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાના કારણે આ બીમારીનો ખતરો વધુ દેખાય છે.ઠંડીમાં આ રોગની તીવ્રતા વધી જવાના કારણે દર્દીના ફેફસાની ક્ષમતા ખાસ મશીન દ્વારા તપાસી (પી.એફ.ટી.) ક્યારેક દવાના ડોઝમાં પણ ફેરફાર કરવો પડતો હોય છે.
આ વિભાગના જ ડો.સ્મિત યાદવના જણાવ્યા મુજબ ઠંડીમાં શ્વાસના દર્દીઓ ઇન્હેલરનો ઉપયોગ કરી શકતા ન હોય તેમને નેબ્યુલાઈઝર(બાફ મશીન) વડે અસ્થમાની દવા અત્રે આપવામાં આવે છે.ઉપરાંત પાણીની વરાળ સ્ટીમ ઇન્હેલર લેવાની સલાહ પણ આપવામાં આવે છે.
તબીબોના જણાવ્યા અનુસાર જો ઠંડીમાં શ્વાસની તકલીફ હોય તો પ્રથમ તો ચિકિત્સકના સંપર્કમાં રહેવું જરૂરી છે. ઘરમાં જ હળવો વ્યાયામ, યોગ, પ્રાણાયામ, કરવાથી ફેફસા મજબૂત રહે છે. આ ઋતુમાં ગરમ કપડાં પહેરવા અને ખાસ કરીને કાન અને માથું ઢાંકીને રાખવું. તેમજ સૂતી વખતે ઘરમાં હીટર અને વોર્મર નો ઉપયોગ હિતાવહ નથી,જેનાથી ગેસનું પ્રમાણ વધી જવાની શક્યતા રહે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે.
ઠંડીની ઋતુમાં શ્વાસના દર્દીઓએ ગરમ અને પ્રવાહી લેવાય તો રાહત રહે. શાકભાજી, બદામ, અખરોટ, મગફળીનો પ્રયોગ કરવો જરૂરી છે. તલ તુલસી સૂંઠ આદુ પણ આ ઋતુમાં ઉપયોગી સાબિત થાય છે. પરંતુ ઠંડા પીણાં,ફાસ્ટ ફૂડ અને તળેલી ચીજો નુકસાનકારક બને છે.
શ્વાસના દર્દીઓએ આ ઋતુમાં બહાર નીકળું જ નહીં, તેમ છતાં જવું પડે અને ટુ-વ્હીલર ચલાવવાનું હોય તો હેલ્મેટ પહેરવું. લોકો સાથે હાથ મીલાવવાને બદલે નમસ્તે અભિવાદન કરવાથી સંક્રમણથી બચી શકાય.માસ્કનો ઉપયોગ સુરક્ષા બક્ષે છે.ભીડ ભાળમાં જવાનું ટાળવું.






Leave a comment