ગુજરાત વિધાનસભાનું આગામી 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરુ થશે. નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધોડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટ સત્ર દરમિયાન આખર થયેલા જંત્રી દરની જાહેરાત કરવામાં આવશે. જમીનની માર્કેટ વેલ્યુ તથા ડિમાન્ડને આધારે જંત્રીના દરોમાં યોગ્ય ફેરફાર આવશે.ગુજરાત સરકારે થોડાં સમય પહેલા જંત્રીના દરમાં વધારો સૂચવ્યો હતો, જેમાં ઘણી જગ્યાઓએ આ દરમાં બમણાથી લઈને 9 થી 10 ગણા જેટલો વધારો ઝીંકી દેવાયો હતો. અચાનક જંત્રી દરોમાં આવેલા ઉછાળાને કારણે બિલ્ડર લોબી અને મકાન કે જમીન ખરીદવા માંગતા લોકોના વર્ગમાં ઉચાટ જોવા મળ્યો હતો અને બિલ્ડર લોબીમાં નારાજગી હતી. જોકે, સરકારે આ જંત્રી દરો ઘટાડવા માટે મન બનાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે વિસ્તારોમાં સૂચિત જંત્રીના દરો પાંચથી દસ ગણા વધી ગયા છે ત્યાં દર અડધાંથી માંડીને ત્રીજા ભાગના થઇ શકે છે.






Leave a comment