– કચ્છમાં સૌથી વધુ ઓપરેશન સાથે સીમાચિહ્ન સ્થાપિત કર્યું
– ચીફ.મેડિ.સુપ્રિ.ડો.હિરાણીએ થાયરોઈડના લક્ષણો,પ્રકાર ઓપરેશન અને નિયંત્રણ અંગે આપી વિગત
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના કાન નાક અને ગળાના વિભાગે અત્યાર સુધી અંદાજે ૩૦૦૦ જેટલા જુદા જુદા પ્રકારના થાઇરોઇડના સફળ ઓપરેશન કરી કચ્છમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. જી.કે.ના ENT વિભાગના હેડ અને ચીફ મેડિ.સુપ્રિ.ડો નરેન્દ્ર હિરાણીએ અને તેમની ટીમે અત્યાર સુધી કચ્છમાં કોઈપણ હોસ્પિટલની સરખામણીમાં સૌથી વધુ ઓપરેશન કર્યા છે.
વિશ્વમાં જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ઉજવાતા થાયરોઈડ જાગૃતિ માસ નિમિતે ડો. હિરાણીએ કહ્યું કે, છેલ્લા એક દાયકાથી ખાણીપીણી અને જીવનશૈલીમાં આવેલા આમૂલ પરિવર્તનને કારણે શરીરના વિકાસ માટે જરૂરી થાયરોઈડ હોર્મોન સ્ત્રાવ કરતી થાયરોઈડ ગ્રંથી કોઈ કારણવશ આ સ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો શરીરના વિકાસમાં રૂકાવટ આવે છે. થાયરોઈડ ગ્રંથી ઉપર ગાંઠ અર્થાત ગોઇટર જેવા કેટલાક દુષ્પ્રભાવને પ્રતાપે આ સ્ત્રાવ અટકી જાય છે, પરિણામે ઓપરેશન કરવું પડે છે.
આ ઓપરેશન માટે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પરીક્ષણ થી લઇ મેડિકલ, સર્જીકલ મેનેજમેન્ટ તબ્બકેથી પસાર થવું પડે છે.
થાયરોઈડ એ ગળામાં સ્વરપેટી ઉપર આવેલી એક પતંગિયા(બટર ફ્લાય) આકારની ગ્રંથી છે. જો એ ગ્રંથી ઉપર ગાંઠ અર્થાત ગોઇટર થાય તો સોજો આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે,અવાજ બદલાઈ જાય પરંતુ ત્યાં ગાંઠ છે તો કેટલી છે તેનો પ્રકાર કેવો છે અને તેનું માપ કેટલું છે, એ સોનોગ્રાફી જેવા તબીબી પરીક્ષણ સંશાધનોથી જ માલુમ પડે છે. સાથે થાયરોઈડ હોર્મોન ટેસ્ટ પણ કરવામાં આવે છે અને હોર્મોન સ્ત્રાવના આધારે વધુ, ઓછું કે સામાન્ય જેના આધારે હાઇપર,હાઇપો કે નોર્મલ થાયરોઈડ છે તે જાણી શકાય છે.ઉપરાંત ગાંઠનો પ્રકાર જાણવા FNAC ટેસ્ટ પણ કરવામાં આવે છે.
છેલ્લે થાયરોઈડ ગ્રંથી ઉપર ગાંઠ કેટલા પ્રકારની,કેટલા માપની,કેટલી અને થાયરોઈડ ક્યા ભાગમાં છે તેના આધારે ઓપરેશન કરવામાં આવે છે.જેમકે, હેમી થાયરોઈડેકટોમી,સબ ટોટલ થાયરોઈડેકટોમી,નિયર ટોટલ થાયરોઈડેકટોમી અને ટોટલ થાયરોઈડેકટોમી તેના મુખ્ય પ્રકાર છે.
થાયરોઈડની ઉણપ હોય છે ત્યારે દર્દીને ભૂખ ઓછી અને છતાં વજન વધે,થાક લાગે,ત્વચા સુકી બને અવાજ બેસી જાય અને ઊંઘ વધુ આવે.
મહિલાઓમાં મોટે ભાગે હાઇપોથાયરોઇડિઝમ દેખાતો હોવાથી ખાસ તપાસ કરાવી જોઈએ.જો થાયરોઈડ વધુ હોય તો,શરીર પાતળું,ભૂખ વધુ લાગવી,ધ્રુજારી થાય,પરસેવો વધુ થાય,ધબકારા વધે, થકાન, વિગેરે જોવા મળે છે.
ભારતમાં જ સવા ચાર કરોડથી વધુ લોકો થાયરોઈડની સમસ્યાનો સામનો કરે છે, જેનું કારણ શરીરમાં આયોડિનની કમી અને ટેન્શન જેવા અનેક કારણો મુખ્ય છે.છે. વળી આયોડિન પ્રાપ્ત કરવાનું એક જ માધ્યમ છે અને તે આયોડીન યુક્ત મીઠું.
જી.કે. માં થાયરોઈડ કેન્સરના સામાન્ય થી જટિલ ઓપરેશન પણ કરાયા:
અત્રે જી.કે.જનરલ હોસ્પિટલમાં થયેલા ૩૦૦૦ થાયરોઈડના ઓપરેશન પૈકી કેન્સરના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. આ રોગની ગાંઠ સામાન્ય થી કેન્સર પ્રકારની પણ જોવા મળે છે. કેન્સરની ગાંઠના ૪ પ્રકાર પૈકી પેપીલરી, ફોલિક્યુલર, મેડયુલરી અને એનાપ્લાસ્ટીકનો સમાવેશ થાય છે. જેમાંથી પોપીલરી કેન્સરના ઓપરેશનના પરિણામ નોંધપાત્ર મળે છે, જ્યારે એનાપ્લાસ્ટિક કેન્સરના દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.






Leave a comment