ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી કરોડો લોકો તેમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે સારી સુવિધાઓ સાથે મહાકુંભની યાત્રા કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી. જે હેઠળ GSRTC દ્વારા મહાકુંભ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી ST વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરાઈ હતી. જેની આજથી શરૂઆત થઇ ચૂકી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલીઝંડી બતાવી હતી.
આ બસ અંગે સરકાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આવતીકાલથી રોજ ચાર દિવસ અને ત્રણ રાત્રિની આ મહાકુંભની યાત્રાની પ્રાથમિક શરૂઆત અમદાવાદ – રાણીપ બસ મથકેથી ચાલુ કરવામાં આવી છે જેમાં જરૂરિયાત અને સંજોગો અનુસાર વડોદરા – સુરતથી પણ ચાલુ કરવામાં આવી શકે છે. વોલ્વો બસ સેવા માટે કુંભમાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે, જેમાં રાજ્ય સરકાર રહેવાની વ્યવસ્થા પેકેજમાં સાથે જ આપે છે પરંતુ જમવાની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ એ જાતે કરવાની રહેશે.
રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના લોકો જઇ રહ્યા છે. આ યાત્રાનું પેકેજ છેલ્લી તારીખ સુધી ફુલ થઈ ગયું છે, જેમાં પ્રથમ બેચમાં 15 જેટલા કાર્યકરો જઈ રહ્યા છે જેઓ આવનાર 15 દિવસ સુધી ત્યાં સેવાઓ આપશે. રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે એ પ્રમાણે વધુ બસનું આયોજન કરવામાં આવશે. સુત્રો ધ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 3જી ફેબ્રુઆરીએ મહાકુંભ જાય એવી શક્યતાઓ છે.






Leave a comment