રાજકોટની ભાગોળે રૈયાધાર નજીક રૂ. 136 કરોડનાં ખર્ચે સ્માર્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના કાંકરિયા તળાવની જેમ સૌરાષ્ટ્રના સૌથી મોટા અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અટલ સરોવર ખુલ્લું મુકવામાં આવતા અહીં સહેલાણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઊમટતા હતા. જોકે હાલમાં અહીં માત્ર લેસર-શો અને ફૂડકોર્ટ જ ચાલુ છે. એક વર્ષમાં જ રાજકોટનું આકર્ષણ બનેલું અટલ સરોવર ઝાંખુ પડવા લાગ્યું છે. ચીનથી આવેલી ટોય ટ્રેન, ફેરીસ વહીલ્સ અને સોલાર બોટ ઉદ્ધાટનથી શરૂ જ નથી કરવામાં આવી. જોકે તમામ સુવિધાઓ ચાલુ કરવા માટે હાલ જરૂરી પ્રક્રિયા ચાલુ હોવાનું ડે.કમિશ્નર સી.કે.નંદાણીએ જણાવ્યું હતું, પરંતુ આ માટેનો કોઈ જ ચોક્કસ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો.
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પહેલા એટલે કે વર્ષ 2024માં ગુજરાતના સ્થાપના દિને જ અટલ સરોવર ધામધૂમથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રેસકોર્ષ જેમ લોકોની ચિક્કાર ભીડ થતા અંધાધૂંધી સર્જાઇ હતી. તે પછી અગ્નિકાંડના કારણે અટલ સરોવર બંધ કરવું પડ્યું હતું. ત્યારબાદ ગત તા. 1 ઓગષ્ટથી ખોલવામાં આવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારે લોકો મોટી સંખ્યામાં આવે છે, પરંતુ અન્ય દિવસોમાં ખાસ અવરજવર જોવા મળતી નથી અને ગણ્યાગાંઠ્યા લોકો આવે છે.
હાલ અટલ સરોવરમાં માત્ર લેસર-શો, ફૂડ કોર્ટ અને બાળકોને માટે રમવાના હિંચકા-લપસીયા સિવાય જેના માટે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટોય ટ્રેન, ચકડોળ (ફેરિસ વહીલ્સ) અને સોલાર બોટ છેલ્લા પાંચ મહિનાથી શરૂ જ કરવામાં આવી નથી. આ અગાઉ એજન્સીના સત્તાવાળાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચીનથી મંગાવવામાં આવેલ ટ્રોય ટ્રેનનું ચાર મહિના પહેલા ટ્રાયલ કરી લેવામાં આવ્યું છે. તેમાં મહાપાલિકાના અધિકારીઓને બેસાડી ચક્કર પણ મરાવવામાં આવ્યું હતું. તેમજ ડોક્યુમેન્ટ પણ મનપામાં જમા કરાવ્યા હોવા છતાં પણ ટ્રેન ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી નથી.
આ સિવાય ચકડોળના ડોક્યુમેન્ટ પણ 6 મહિનાથી જમા કરાવી દેવામાં આવ્યા છે. રોશનીથી શણગારેલ ચકડોળ અત્યારે શોભાના ગાંઠીયા સમાન પડ્યું છે. જ્યારે સૌથી મોટા આકર્ષણ સમાન 6 સોલાર બોટ હાલ અટલ સરોવરની પાળી ઉપર બંધ હાલતમાં પડી છે. આ બોટ શરૂ કરવામાં વડોદરાની હરણી દુર્ઘટના બાદ નવા નિયમના કારણે મંજૂરી મળી નથી. આમ તમામ મોટી અને મહત્ત્વની સુવિધાઓ હાલ બંધ હાલતમાં હોવાને કારણે સૌરાષ્ટ્રનાં સૌથી મોટા અટલ સરોવરનું આકર્ષણ ઘટ્યું છે.






Leave a comment