આતંકવાદી માટે કામ કરો છો કહીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી

સાયબર ગઠીયાઓ દર વખતે વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકોના બેંક બેલેન્સ ખાલી કરી દેતા હોય છે. સાયબર ક્રાઇમની ઘટનાઓથી લોકોને હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે હાલ સૌથી વધી ડિજિટલ એરેસ્ટની બોલબાલા છે. સરકાર દ્વારા અનેક જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહી છે તેમ છતાંય લોકોમાં સતર્કતા આવતી નથી. રાયખડમાં રહેતી એક પરિણીત મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આંતવાદી માટે કામ કરો છો, ડ્રગ્સની હેરાફેરી કરો છો તેમ કહીને મહિલા પાસેથી 1.10 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ડિજિટલ એરેસ્ટના બહાને થતી છેતરપિંડી સાયબર ક્રાઇમ માટે જાણે કે માથાનો દુખાવો બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ડિજિટલ એરેસ્ટના બનાવોને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં હજી પણ અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. રાયખડ વિસ્તારમાં આવેલી સૈયદવાડીમાં રહેતી હિનાનાઝ કાદરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટની ફરિયાદ કરી છે. હિનાનાઝ સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને જ્યારે તેના પતિ પ્રાઇવેટ કંપનીમાં કુરીયર મેન તરીકેની નોકરી કરે છે.

થોડા દિવસ પહેલા હીનાનાઝ ઘરે હાજર હતી ત્યારે તેના મોબાઇલ પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર કોઇ મહિલા હતી અને તેણે હિન્દીમાં વાત કરવાનું ચાલુ કર્યુ હતું. મહિલાએ હીનાનાઝને જણાવ્યું હતું કે, તમારા નામનું એરેસ્ટ વોરંટ છે તમારે બે કલાકમાં હૈદરાબાદ ક્રાઇમ બ્રાંચમાં આવવું પડશે. મહિલાની વાત સાંભણીને હીનાનાઝે જવાબ આપ્યો કે, મેં કઇ કર્યુ નથી તો શેનુ વોરંટ છે. મહિલાએ હીનાનાઝને જવાબ આપ્યો હતો કે, તમારા નામ ઉપર ડ્રગ્સ સપ્લાય થાય છે જો તમે અહિયા નહીં આવી શકો તો હું વીડિયો કોલ કરીને તમારી હૈદરાબાદ ક્રાઇમમાં વાત કરાવું.

મહિલાએ હીનાનાઝને વીડિયો કોલ કર્યો હતો જ્યાં સામેથી એક પુરુષ વાત કરતો હતો. હીનાનાઝને વીડિયો કોલિંગમાં સામે રહેલા વ્યકિતનો ચહેરો દેખાયો નહીં. ક્રાઇમ બ્રાંચના નામે કોલ કરનારે હીનાનાઝને અલગ રૂમમાં જવા માટેનું જણાવ્યું હતું. કોલિંગમાં પોલીસ કર્મચારી છે તેવુ માનીને હીનાનાઝ બીજા રૂમમાં જતી હતી. હીનાનાઝને શંકા જતા તેણે કોલિંગ કરનારને પુછ્યુ હતું કે, હું તમને ઓળખતી નથી તમે પોલીસવાળા છો કે કોણ તેની મને ખબર નથી. હીનાનાઝની વાત સાંભણીને કોલ કરનારે તેનું આઇકાર્ડ વ્હોટ્સએપ કર્યુ હતું. વ્હોટ્સએપમાં હૈદરાબાદ પોલીસનું ફોટોવાળુ આઇકાર્ડ હતું. ત્યારબાદ હીનાનાઝને એરેસ્ટ વોંરટ પણ મોકલ્યું હતું.

હીનાનાઝને જે વોરંટ મોકલ્યું હતું તેમાં ઇડીના આસીસ્ટન્ટ ડાઇરેક્ટર નીરજ કુમારના નામનું હતું. વીડિયો કોલ કરનાર શખ્સે હીનાનાઝને જણાવ્યું હતું કે, તમે આતંકવાદીઓ માટે કામ કરો છો, તમારા એકાઉન્ટમાં બ્લેક મની આવે છે. તમારે તે પૈસા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. જો રૂપિયા ટ્રાન્સફર નહીં કરો તો તમને એરેસ્ટ કરવા પડશે. વીડિયોકોલ કરનારની વાતથી હીનાનાઝ ગભરાઇ ગઇ હતી અને તરતજ બેંકની તમામ વિગતો આપી દીધી હતી. હીનાનાઝે ગઠીયાઓને ધકપકડ થાય નહીં તે માટે 1.10 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. હીનાનાઝે આ મામલે તેના પરિવારના સભ્યોને જાણ કરતા તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બની હોવાનું સામે આવ્યુ હતું. હીનાનાઝે તરત જ સાયબર હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો અને ફરિયાદ કરી હતી. સાયબર હેલ્પલાઇનથી એનક્લોજમેન્ટ નંબર આવતા હીનાનાઝે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હીનાનાઝની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Leave a comment

Trending